સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૭૭
સમાધાનઃ– ના, એમ નથી. પણ આ કઈ અપેક્ષાએ વાત છે એ તો સમજવું જોઈએ ને? ધર્મીની દ્રષ્ટિ એક પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્મા ઉપર છે. તેને જે નિર્મળ સ્વભાવનું પરિણમન થાય તે એનું વ્યાપ્ય છે, પરંતુ વિકારનું પરિણમન એનું વ્યાપ્ય નથી. દ્રષ્ટિ સ્વભાવ પર છે ને! તેથી વિકારનું પરિણમન એનું વ્યાપ્ય નથી. આ અપેક્ષાએ કહ્યું કે જ્ઞાનીને રાગનું વેદન નથી. બાકી જ્ઞાનની અપેક્ષાએ સમ્યગ્દ્રષ્ટિને તો શું છટ્ઠે ગુણસ્થાને મુનિને પણ કિંચિત્ વિકારભાવ છે અને તેટલું વેદન પણ છે. પરંતુ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ તેને ગૌણ કરીને સમકિતીને રાગનું વેદન નથી એમ કહ્યું છે. અહીં તે કિંચિત્ અસ્થિરતાના વેદનની મુખ્યતા નથી એમ યથાર્થ સમજવું.
અહા! આ જ (એક આત્મા જ) શરણ છે બાપુ! અહા! આખું ઘર એક ક્ષણમાં ખલાસ થઈ જાય ભાઈ! બે-પાંચ દીકરા ને બે-ચાર દીકરીઓ હોય તો તે બધાં એક સાથે ખલાસ થઈ જાય. બાપુ! એ નાશવંતનો શું ભરોસો? ભાઈ! એ બધી પરવસ્તુ તો પરમાં પરને કારણે છે; તેમાં અવિનાશીપણું નથી. એ તો બધાં પોતપોતાના કારણે આવે ને પોતપોતાના કારણે જાય. પરંતુ અહીં તો આત્માની એક સમયની પર્યાય પણ નાશવંત છે એમ કહે છે. અવિનાશી તો નિત્યાનંદસ્વરૂપ ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ ચિદાનંદ પ્રભુ આત્મા છે. તેનો સ્વીકાર કરતાં, તેનો ભરોસો-પ્રતીતિ કરતાં અતીન્દ્રિય આનંદનું વેદન આવે છે. અહા! આવા આનંદનું વેદન કરનારા જ્ઞાનીને પૂર્વના કર્મનો ઉદય વર્તતો હોય છતાં તે ખરી જાય છે, નવીન બંધ કરતો નથી.
અરે ભાઈ! જગત તો અનાદિથી અશરણ છે, અને અરિહંત ને સિદ્ધ પણ વ્યવહારથી શરણ છે. નિશ્ચય શરણ તો અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્મા છે. જુઓને! એ જ કહ્યું ને? કે ધર્મી નિજરસથી ભરપૂર આત્માના સર્વસ્વને ભોગવનાર છે. અહા! તે રાગને ભોગવનાર નથી ને અપૂર્ણતાનેય ભોગવનાર નથી. અહા! ‘સર્વસ્વ’ શબ્દ છે ને? અહા! અતીન્દ્રિય આનંદનો કંદ પૂરણ પૂરણ પવિત્ર અનંતગુણોનો એક જ્ઞાયકસ્વરૂપ પિંડ પ્રભુ શાશ્વત આત્મા છે; અને તેનું શરણ ગ્રહીને જ્ઞાની તેના-શુદ્ધ ચૈતન્યના-સર્વસ્વને ભોગવનાર છે-એમ કહે છે. ઝીણી વાત ભાઈ! જિનેશ્વરનો મારગ સૂક્ષ્મ છે બાપા!
જ્ઞાનીને નિઃશંક્તિ આદિ ગુણોના કારણે, કર્મનો ઉદય વર્તતાં છતાં, કર્મનો બંધ જરા પણ થતો નથી. હવે આના પરથી કોઈ એમ લઈ લે કે સમકિતીને જરાય દુઃખનું વેદન નથી તો એ બરાબર નથી. અહીં તો દ્રષ્ટિ ને દ્રષ્ટિનો વિષય જે પરિપૂર્ણ પ્રભુ આત્મા છે તેની દ્રષ્ટિમાં જ્ઞાની પોતાના સર્વસ્વને ભોગવનાર છે એમ કહ્યું છે. હવે આવી વાતુ લોકોને અત્યારે આકરી લાગે છે કેમકે આ વાત સંપ્રદાયમાં ચાલતી જ નહોતી ને! પણ આ સત્ય વાત બહાર આવી એટલે લોકોમાં ખળભળાટ થઈ ગયો છે. બાપુ! ખળભળાટ થાઓ કે ન થાઓ, મારગ તો આ જ છે ભાઈ!