૪૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અહા! સત્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ છે. ભગવાન આત્મા ત્રિકાળી પરિપૂર્ણ સત્ છે. અહાહા...! અનંતગુણનો પિંડ ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા ત્રિકાળી સત્નું પૂરણ સત્ત્વ છે. અહા! તેની જેને દ્રષ્ટિ થઈ છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.
અહાહા...! કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’ અહા! ગજબ વાત છે! રાગેય નહિ. એક સમયની પર્યાય જેટલોય નહિ તથા ગુણભેદપણેય નહિ, પરંતુ ભગવાન આત્મા એક ‘જ્ઞાયકભાવમય’ છે; ‘જ્ઞાયકભાવવાળો’ એમેય નહિ, અહાહા...! અનંતગુણરસસ્વરૂપ એક ‘જ્ઞાયકભાવમય’ પ્રભુ આત્મા છે. અહા! સમ્યગ્દ્રષ્ટિને આવો અભેદ એક જ્ઞાયકભાવમય આત્મા છે અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવમય આત્મા ઉપર છે.
અહા! ‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી નિઃશંક છે.’
શું કહ્યું? કર્મથી બંધાયેલો છું એવો જેને સંદેહ નથી અર્થાત્ નિશ્ચયથી બંધાયો જ નથી એમ જેને નિશ્ચય છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! આ વસ્તુસ્વરૂપ છે. જ્યારે બંધાયેલો છું એવો સંદેહ તે મિથ્યાત્વભાવ છે. અહા! રાગથી કે કર્મથી બંધાયેલો નથી એવો હું અબદ્ધ-સ્પૃષ્ટ આત્મા છું એમ જ્ઞાની પોતાને જાણે છે, અનુભવે છે. પણ કર્મબંધ સંબંધી જે સંદેહ છે કે હું રાગથી બંધાયેલો છું એ મિથ્યાત્વભાવ છે. અરે ભાઈ! અબદ્ધ-સ્પૃષ્ટ પ્રભુ આત્મા તે રાગના સંબંધમાં બંધાય કેમ? જો પરદ્રવ્યનો સંબંધ કરે તો બંધાય, પણ વસ્તુ-સ્વદ્રવ્ય તો પરદ્રવ્યના સંબંધ વિનાની છે.
અહા! કહે છે-‘કર્મબંધ સંબંધી શંકા કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો...’ અહા! ભાષા તો દેખો! હું કર્મથી બંધાયેલો છું એમ માનવું એ સંદેહ છે, અને એ મિથ્યાત્વ છે. હું તો કર્મ ને રાગના સંબંધથી રહિત અબદ્ધ-મુક્તસ્વરૂપ જ છું એમ માનવું ને અનુભવવું તે સમ્યગ્દર્શન છે. બીજી રીતે કહીએ તો મારું સ્વદ્રવ્ય કર્મના સંબંધમાં છે એવો સંદેહ જ્ઞાનીને છે નહિ કેમકે સ્વદ્રવ્ય જે એક જ્ઞાયકભાવ તેમાં બીજી ચીજ-કર્મ કે રાગ છે નહિ; એક જ્ઞાયકભાવ પોતે સદા પરના સંબંધથી રહિત જ છે. લ્યો, આવી વાત!
એ તો શ્રીમદ્ રાજચંદ્રજીએ ન કહ્યું? શું? કે દિગંબરના આચાર્યોએ એમ સ્વીકાર્યું છે કે-આત્માનો મોક્ષ થતો નથી, પણ મોક્ષ સમજાય છે. શું કહ્યું એ? કે રાગ સાથે સંબંધ છે એવી જે (મિથ્યા) માન્યતા હતી તે જૂઠી છે એવું ભાન થતાં આત્મા મોક્ષસ્વરૂપ જ છે એમ સમજાય છે. અહાહા...! આત્મા અંદર પૂર્ણાનંદનો