૪૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
જુઓ, મૂળ ગાથામાં
જાણવાવાળો આત્મા. ધર્મીજીવ ચેતયિતા છે. ધર્મી જીવ એને કહીએ કે જે જાણવાવાળો છે; મતલબ કે તે પરને-રાગાદિ ને પુણ્યાદિ ભાવને-જાણે છે પણ પોતાનાં ન જાણે અને પોતાનાં ન માને. તે તે સર્વને પરજ્ઞેયપણે જાણે છે. અહા! તે પણ વ્યવહાર છે. ઝીણી વાત છે ભાઈ! જાણવાવાળો ભગવાન આત્મા જ્ઞ-સ્વભાવી, જ્ઞાયકસ્વભાવી, સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે અને તેની જેને દ્રષ્ટિ થઈ છે તે ચેતયિતા ધર્મી છે, સમ્યગ્દ્રષ્ટિ છે. ટીકામાં ચેતયિતાનો અર્થ સમ્યગ્દ્રષ્ટિ કર્યો છે.
અહા! ભગવાન આત્મા એક જ્ઞાયકભાવમય જ્ઞ-સ્વભાવી વસ્તુ છે. તે કોઈ પરનું પોતાનામાં પોતાથી કાર્ય કરે એવો નથી, અને પર વડે પોતાનામાં કાર્ય થાય એવો પણ નથી. અહા! પરને પોતાના માને એમ તો નહિ પણ પરને જાણે એવો વ્યવહાર પણ પોતાનામાં નહિ. ગાથામાં ચેતયિતા શબ્દ મૂકીને આ કહ્યું છે. અરે ભાઈ! એ તો પોતાને જાણે છે, ચેતે છે. તેને પોતાથી ભિન્ન રાગાદિ પરદ્રવ્યને જાણવાવાળો કહેવો એ તો વ્યવહાર છે. વાસ્તવમાં તો એ પોતાનો ચેતયિતા-પોતાને જાણવાવાળો છે. આવા સ્વસ્વરૂપને જેણે દ્રષ્ટિમાં ને અનુભવમાં લીધું છે તે ધર્મી, સમ્યગ્દ્રષ્ટિ છે. આવી વાત છે.
શું કહે છે? કે-‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિઃકાંક્ષ (નિર્વાંછક) છે.’
અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ ચેતયિતા નામ એક જ્ઞાયકભાવમય છે. હું તો એક જ્ઞાયકભાવ છું એમ અનુભવતા જ્ઞાનીને કહે છે, બધાંય કર્મફળો પ્રત્યે કાંક્ષા નથી. અહા! ધર્મીને પુણ્યભાવરૂપ વ્યવહારધર્મની તથા પુણ્યકર્મના ફળોની વાંછા નથી. અહા! જૈનધર્મ કોઈ અલૌકિક વસ્તુ છે ભાઈ! અહા! ભગવાન આત્મા ચેતયિતા પ્રભુ એક જ્ઞાયકભાવમય જ્ઞાનાનંદનું ધામ છે. તેમાં વસેલા જૈનધર્મીને કર્મફળો પ્રત્યે કાંક્ષા નથી, અર્થાત્ પૂર્વે જે કર્મ બાંધ્યાં હતાં તેના ફળની વાંછા નથી. ગજબ વાત છે ભાઈ! જ્ઞાનીને પુણ્ય ને પુણ્યનાં ફળોની વાંછા નથી.
લ્યો, આજે ૨૬ મી જાન્યુઆરી-સ્વરાજ્ય દિન છે ને? અરે ભાઈ! સ્વરાજ્ય તો સ્વમાં હોય કે બહારમાં હોય? અનંતગુણોનું સામ્રાજ્ય પ્રભુ આત્મા છે, અને તેને પ્રાપ્ત કરવું તે સ્વરાજ્ય-પ્રાપ્તિ છે. અહીં કહે છે-આવી સ્વરાજ્ય પ્રાપ્તિ જેને થઈ છે તે કર્મફળોને-પુણ્ય ને પુણ્યનાં ફળોને-બહારની ચીજોને વાંછતો નથી. લ્યો, બહારમાં પોતાનું સ્વરાજ્ય છે એની અહીં ના પાડે છે. સમજાણું કાંઈ...?