સમયસાર ગાથા-૨૩૦ ] [ ૪૮૯
‘બધાંય કર્મફળો’-એમ લીધું ને? મતલબ કે ૧૪૮ કર્મપ્રકૃતિમાંથી કોઈ પણ કર્મના ફળની વાંછા જ્ઞાનીને નથી. યશઃકીર્તિ કે તીર્થંકર પ્રકૃતિ બંધાય તેના ફળની પણ જ્ઞાનીને વાંછા નથી એમ કહે છે. અહા! અતીન્દ્રિય આનંદનો નાથ એવો ભગવાન આત્મા જ્યાં અંદર જાગ્રત થયો, નિજસ્વરૂપનું-અનંતગુણસામ્રાજ્યનું જ્યાં ભાન થયું ત્યાં પરસ્વરૂપની વાંછા કેમ થાય? ન થાય. આ સ્વરાજ્ય છે, બાકી બહારમાં તો ધૂળેય સ્વરાજ્ય નથી. ‘राजते–शोभते इति राजा’ પોતાના એક જ્ઞાયકભાવમાં-અનંત- ગુણસામ્રાજ્યમાં રહીને શોભાયમાન છે તે રાજા છે અને એવો સમ્યગ્દ્રષ્ટિ હોય છે જે બધાંય કર્મફળોને વાંછતો નથી. સમજાણું કાંઈ...?
આવો મારગ બાપા! એ મળ્યા વિના તે ૮૪ લાખના અવતારમાં એક એક યોનિમાં અનંત અનંત અવતાર કરીને દુઃખી થયો છે. અરેરે! મિથ્યાત્વને લીધે ઢોર- પશુના અનંત અવતાર ને નરક-નિગોદના અનંત અવતાર એણે અનંતવાર કર્યા છે. અહા! એ જન્મસમુદ્ર તો દુઃખનો જ સમુદ્ર છે અને વિના સમ્યગ્દર્શન તેને પાર કરી શકાય એમ નથી. અહો! સમ્યગ્દર્શન એ અપૂર્વ ચીજ છે, અને તે એક જ્ઞાયકભાવમય નિજ શુદ્ધ આત્મદ્રવ્યનો આશ્રય કરતાં પ્રગટ થાય છે. અહા! નિજ જ્ઞાનાનંદસ્વરૂપના આશ્રયે જેને અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો છે તે ધર્મી, સમ્યગ્દ્રષ્ટિ છે અને તે સુખી છે કેમકે તે બધાંય કર્મફળોને-બીજી ચીજને-ઇચ્છતો નથી. આવી વાત!
અહીં કહે છે-જ્ઞાનીને બધાંય કર્મફળો અને સમસ્ત વસ્તુધર્મો પ્રતિ કાંક્ષાનો અભાવ છે. અહાહા...! સમસ્ત વસ્તુધર્મો કહેતાં હીરા-માણેક-મોતી અને પથ્થર, કાચ અને મણિરત્ન, સોનું-ચાંદી અને ધૂળ-કાદવ અને નિંદા-પ્રશંસા ઇત્યાદિ લોકના સમસ્ત પદાર્થો પ્રત્યે જ્ઞાનીને વાંછા નથી. કેમ? કેમકે સમ્યક્ નામ સત્દ્રષ્ટિવંતને એક જ્ઞાયકભાવમયપણું છે. અહા! નિંદા-પ્રશંસાના ભાવને તે માત્ર પરજ્ઞેયરૂપે જાણે જ છે, પણ પોતાની પ્રશંસા જગતમાં થાય એમ જ્ઞાની કદી ઇચ્છતા નથી. અહા! આવો ધર્મ લોકોએ બહારમાં-દયા પાળો ને તપ કરો ને ભક્તિ કરો. ઇત્યાદિ રાગમાં-ખતવી નાખ્યો છે. પણ અહીં તો કહે છે-જ્ઞાનીને રાગની-વ્યવહારની વાંછા નથી. ભાઈ! રાગમાં ધર્મ માને એ તો બહુ ફેર છે બાપા! એ તો મિથ્યાબુદ્ધિ જ છે.
અહા! કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ,... બધાંય કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિઃકાંક્ષ (નિર્વાંછક) છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’
અહા! ધર્મીને પોતાના આનંદમૂર્તિ પ્રભુ આત્માની ભાવના હોવાથી પરની કાંક્ષાની ભાવનાનો તેને અભાવ છે. અહા! નિશ્ચયથી હું જ મારું જ્ઞેય ને હું જ મારો જ્ઞાતા છું- એમ અભેદપણે પોતાના આનંદસ્વરૂપને અનુભવતો જ્ઞાની પરની કાંક્ષા કરતો નથી.