૪૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ પોતે ચેતયિતા છે ને? તો સ્વરૂપનું સંચેતન કરે છે, અતીન્દ્રિય આનંદને અનુભવે છે અને સ્વરૂપની જ ભાવનામાં રહે છે; તેથી તેને પરની કાંક્ષાનો અભાવ છે. માટે તેને કાંક્ષાકૃત બંધ નથી, પણ નિર્જરા જ છે. આનું નામ નિર્જરા છે પણ બહારમાં ઉપવાસાદિ કરે એ કાંઈ નિર્જરા નથી.
પ્રશ્નઃ– આ ઉપવાસ કરે છે તે તપ છે અને તપથી નિર્જરા કહી છે ને! સમાધાનઃ– તપથી નિર્જરા છે પણ એ કયું તપ? બાપુ! તને ખબર નથી. પોતાના ચૈતન્યસ્વભાવમાં ઉગ્રપણે લીન થવું તેને તપ કહ્યું છે અને તે તપમાં જે પૂર્વની ઇચ્છા આદિ હોય છે તે નિર્જરી જાય છે. ‘इच्छा निरोधः तपः’ એમ કહ્યું છે ને? પોતાના નિત્યાનંદ-પરમાનંદસ્વરૂપમાં સ્થિર થતાં-જામતાં ઇચ્છાની ઉત્પત્તિ ન થાય તે ઇચ્છાનો નિરોધ છે, તે આનંદની પ્રાપ્તિ છે અને તેને ભગવાન તપ કહે છે અને એ તપ વડે નિર્જરા કહી છે. ભાઈ! આ તો લૌકિકથી સાવ જુદો મારગ છે બાપા!
‘સમ્યગ્દ્રષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી.’ શું કહે છે? કે જેણે જાણવાવાળાને-એક જ્ઞાયકભાવને જાણ્યો તેને વાંછા હોતી નથી. પોતે ચેતયિતા છે ને? અહા! પોતે તો ભગવાન સર્વજ્ઞસ્વભાવ છે. કોણ ભગવાન? પોતે આત્મા હોં. અહા! સર્વજ્ઞ પરમાત્મા (અરિહંતાદિ) જે પર્યાયમાં સર્વજ્ઞ થયા તે પર્યાય કયાંથી આવી? અંદર સર્વજ્ઞસ્વભાવ પડયો છે એમાંથી આવી છે. કોઈને વળી થાય કે આ નાના મોંઢે મોટી વાત! પણ ભાઈ! એવી સર્વજ્ઞ પર્યાય અપરિમિત અનંત- અનંત સામર્થ્યથી ભરેલા સર્વજ્ઞસ્વભાવમાંથી આવી છે. અહા! અનંતકાળ સુધી સર્વજ્ઞ પર્યાય થયા જ કરે એવું અપરિમિત સર્વજ્ઞસ્વભાવનું સામર્થ્ય છે. સમકિતીને આવા પોતાના સર્વજ્ઞસ્વભાવની અંતરમાં સ્વસંચેતનમાં પ્રતીતિ થઈ છે તેથી કહે છે-જ્ઞાનીને સમસ્ત કર્મનાં ફળોની-રાજપદ, શેઠપદ, દેવપદ વા તીર્થંકરપદની કાંક્ષા નથી. ગજબ વાત છે ભાઈ! મારગ બહુ આકરો બાપા!
વળી કહે છે-‘વળી તેને સર્વધર્મોની વાંછા નથી.’ મૂળ ગાથામાં બે બોલ છે ને? ‘कम्मफलेसु અને सव्वधम्मेसु–એમ પાઠમાં બે બોલ છે. એક તો જ્ઞાનીને કર્મના ફળોની વાંછા નથી અને સર્વધર્મોની પણ વાંછા નથી. ‘સર્વધર્મો’ના તો ઘણા અર્થ છે. જેમકે-સોનું કે પત્થર કે હીરાની ખાણ દેખે તો (અજ્ઞાનીને) વાંછા થઈ જાય એ ધર્મીને છે નહિ.
કોઈને થાય કે-એમાં શું? એ તો પુણ્યનું ફળ છે. સમાધાનઃ– પુણ્યનું ફળ?-એમ નહિ બાપા! શું પુણ્યનાં ફળ તારાં છે?