Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2410 of 4199

 

સમયસાર ગાથા-૨૩૦ ] [ ૪૯૭ સ્વરૂપ પ્રભુ આત્મા છું અને એવા સ્વરૂપમાં અંતરએકાગ્ર થવા વડે જ પૂર્ણ દશા પ્રગટ થાય છે; અહા! ધર્મીને સ્વાનુભવમાં આવી નિઃસંદેહદશા પ્રગટ થઈ છે અને તેથી તે નિઃશંક છે. અહા! સંતોની-કેવળીના કેડાયતીઓની શૈલી તો જુઓ! આવો મારગ ને આવી વાત બીજે કયાંય છે નહિ.

હવે બીજા નિઃકાંક્ષિત ગુણમાં એમ આવ્યું કે-હું પોતે જ પોતાથી પરિપૂર્ણ છું તો મને અન્ય પદાર્થની શું અપેક્ષા છે? મને અન્ય પદાર્થથી શું કામ છે? આમ પોતાની પરિપૂર્ણતાના ભાનમાં ધર્મીને પરપદાર્થની વાંછાનો અભાવ થઈ ગયો છે. ‘હું પરિપૂર્ણ જ છું’ -એમ પરિપૂર્ણની ભાવનામાં ધર્મી જીવ પુણ્ય ને પુણ્યના ફળો પ્રતિ અને અન્ય વસ્તુધર્મો પ્રતિ નિઃકાંક્ષ છે, ઉદાસીન છે. દયા, દાન, વ્રતાદિના પરિણામ તેને જે થાય તેના પ્રતિ પણ નિઃકાંક્ષ છે. ભાઈ! દુનિયાને મળી નથી એટલે આ વાત આકરી લાગે છે, પણ શું થાય? આ તો વસ્તુસ્વરૂપ જ આવું છે.

અહા! સમ્યગ્દર્શનનું ધ્યેય પૂરણ ધ્રુવ પરમાત્મદ્રવ્ય છે. તે કારણે સમકિતીને કદીય શંકા પડતી નથી કે હું પૂરણ નથી. તેથી પોતાની પૂર્ણતાની પ્રતીતિના ભાનમાં તેને પોતાના સિવાય પરપદાર્થની કાંક્ષા જાગતી નથી, અને વાંછા થાય તેનો તે કર્તા થતો નથી આવી વાતુ છે! આ બે ગુણમાં આવું સમાડયું છે. આ પ્રમાણે નિઃશંકિત અને નિઃકાંક્ષિત બે સમકિતીના ગુણ નામ પર્યાય છે. છે તો પર્યાય પણ ગુણ કહેવાય છે. આવો મારગ છે પ્રભુનો! કોઈ કોઈને તો સાંભળવોય કઠણ પડે છે. એ તો આવે છે ને કે-

‘હરિનો મારગ છે શૂરાનો, કાયરનાં નહિ કામ જો ને’

તેમ અહીં કહે છે-

વીતરાગનો મારગ છે શૂરાનો, પામરનાં નહિ કામ જો ને.

અહા! આ તો વીતરાગનો મારગ બાપા! વીરોનો મારગ છે. પુણ્યથી ધર્મ થાય ને નિમિત્તથી લાભ થાય એવું માનવાવાળા પામરોનું આમાં કામ નથી. ભલે ને મોટો અબજોપતિ શેઠ હોય કે રાજા હોય કે દેવ હોય, પુણ્ય ને નિમિત્તની વાંછા કરનારા એ બધા પામર છે, ભિખારા છે. જેને આત્માની-પોતાની પૂર્ણતાનું ભાન નથી તે બધા પામર-ભિખારા છે. અહીં તો આવું છે બાપા!

અરે ભગવાન! તારું સ્વરૂપ અંદર જો ને! અરેરે! તારા સ્વરૂપની તને ખબર ન મળે તો કયાં ઉતારો કરીશ ભાઈ! દેહ તો જોતજોતામાં છૂટી જશે; પછી કયાં જઈશ પ્રભુ! પ્રભુ! તું પૂરણ પ્રભુ છો એવા તારા સ્વરૂપને અંદર જો; એને જોતાં જ તને શંકા ને વાંછા મટી જશે.

[પ્રવચન નં. ૩૦૩*દિનાંક ૨૬-૧-૭૭]