Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2412 of 4199

 

સમયસાર ગાથા-૨૩૧ ] [ ૪૯૯ જ્યારે તે પરદ્રવ્યની રુચિ છોડી પરિપૂર્ણ એક જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્યનાં રુચિ ને એકાગ્રતા કરે છે ત્યારે તે સમ્યગ્દ્રષ્ટિ થાય છે. તેને પોતાના પૂરણ સ્વરૂપમાં હવે સંદેહ નથી; હવે તે નિઃશંક છે અને તેથી તેને પરદ્રવ્યની વાંછા હોતી નથી. અહા! સમકિતીને જેમ પરની વાંછા થતી નથી તેમ પરપદાર્થ કોઈ પ્રતિકૂળ હોય તોપણ તેના પ્રતિ તેને ગ્લાનિ-દુર્ગંછા કે દ્વેષ થતો નથી એમ હવે ગાથામાં કહે છેઃ-

* ગાથા ૨૩૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ,...’ અહા! જેને હું સચ્ચિદાનંદસ્વરૂપ પૂરણ પરમાત્મસ્વરૂપ આત્મદ્રવ્ય છું-એમ દ્રષ્ટિમાં-શ્રદ્ધાનમાં આવ્યું તે સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! સમ્યગ્દ્રષ્ટિ એને કહીએ કે જેને આખો ભગવાન પોતાની પ્રતીતિમાં-ભરોસામાં આવી ગયો છે.

૮૭ ની સાલમાં એક ભાઈએ રાજકોટમાં પ્રશ્ન કર્યો હતો કે-મહારાજ! આપ ‘આત્મા છે અને તેની પ્રતીતિ થાય છે’ એમ આપ કહો છો તો તે સાચું કેમ હોય?

ત્યારે કહ્યું કે-તમે જે બાઈ સાથે લગ્ન કરો છો તે પરણીને પહેલ-વહેલી આવે ત્યારે તો તે અજાણ હોય છે. અહા! અજાણી ને કયાંકથી (-બીજેથી) આવેલી હોય છતાં પ્રથમ દિવસેય તમને શંકા પડે છે કે આ સ્ત્રી મને કદાચ મારી નાખશે તો? નથી પડતી. કેમ? કેમકે તમને ત્યાં વિષયમાં રસ છે, પ્રેમ છે. તે પ્રેમમાં એવો વિશ્વાસ જ છે કે તે મને મારી નહિ નાખે. તેમ જેને પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્મામાં રસ-રુચિ જાગ્યાં છે, જેને નિર્મળાનંદનો નાથ દ્રષ્ટિમાં આખો આવ્યો છે તેને તેનો વિશ્વાસ થયો છે, સંદેહ નથી. શું કહ્યું? પ્રથમ દ્રષ્ટિમાં જ હું આવો છું એમ પ્રતીતિ થાય છે, સંદેહ રહેતો નથી. અહા! હું આવો પૂરણસ્વરૂપ પરમાત્મા છું એમ જ્યાં પોતાના સ્વરૂપનો વિશ્વાસ આવ્યો ત્યાં ધર્મીને પર પદાર્થની કાંક્ષા રહેતી નથી. લ્યો, આવો મારગ! વીતરાગનો મારગ બાપા! બહુ અલૌકિક છે. લોકો એને બહારમાં-દયા, દાન, વ્રત, ભક્તિ આદિમાં-ધર્મ મનાવી બેઠા છે પણ ભાઈ! એ તો રાગ છે, જૈનધર્મ નથી. જૈનધર્મ તો પોતાના સ્વરૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન ને રમણતારૂપ જે વીતરાગી દશા પ્રગટ થાય તે જૈનધર્મ છે.

અહીં કહે છે-સમ્યગ્દ્રષ્ટિ,...’ શું કહ્યું? કે જેને ભગવાન આત્માની-સ્વદ્રવ્યની પૂર્ણતાની-અંદર પ્રતીતિ થઈ છે તે ધર્મની શરૂઆતવાળો સમ્યગ્દ્રષ્ટિ, ‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’ અહા! જોયું? સમ્યગ્દ્રષ્ટિને એક જ્ઞાયકભાવમયપણું છે. એટલે કે જાણગ-જાણગ-જાણગ એવા સ્વભાવના પરિપૂર્ણ ભાવથી ભરેલો પોતે ભગવાન આત્મા છે એમ તે જાણે છે. અહા! ચેતયિતા શબ્દ છે ને પાઠમાં? એનો અહીં અર્થ કર્યો છે એક જ્ઞાયકસ્વભાવમય-જાણગ-જાણગસ્વભાવી પ્રભુ આત્મા. અહીં જ્ઞાનની પ્રધાનતાથી