સમયસાર ગાથા-૨૩૧ ] [ પ૦૧ કાંઈ અમૃતનાં ઝરણાં નથી. અહા! મરવાની તૈયારી ને શરીર ગંધ મારતું હતું છતાં વિષયનો રસ છૂટયો નહિ, શરીરનો રસ-પ્રેમ છૂટયો નહિ. અરે! વિષયના રસિયાઓને, શરીર દુર્ગંધમય હોય ને મરવા ભણી હોય તોપણ વિષયોને છોડવા ગમતા નથી! અહીં કહે છે-જ્ઞાનીને વિષયો પ્રત્યે વાંછા તો શું, પ્રતિકૂળ વિષયો પ્રતિ જુગુપ્સા પણ થતી નથી, દ્વેષ પણ થતો નથી.
અહા! એક વાર વીંછીના ડંખપણે પરિણમેલા પરમાણુઓ અત્યારે અહીં આ શરીરપણે પરિણમ્યા છે, અને પાછા કોઈ વાર તેઓ વીંછીના ડંખપણે પરિણમશે. કેમ? કેમકે એ તો જડની પર્યાયનો સ્વભાવ છે. પણ એમાં જીવને શું? જીવ તો ભિન્ન એક જ્ઞાયકસ્વભાવમય, આનંદસ્વભાવમય છે. અહા! આવા પોતાના સ્વરૂપને નિઃશંક જાણતો- અનુભવતો જ્ઞાની પર વસ્તુધર્મો પ્રત્યે દુર્ગંછા પામતો નથી અને તેથી તે નિર્વિચિકિત્સ અર્થાત્ જુગુપ્સારહિત છે. અહા! આવો વીતરાગનો મારગ ત્રિલોકીનાથ ભગવાન અરિહંતદેવે જગતના હિત માટે કહ્યો છે.
હવે કહે છે-‘તેથી તેને વિચિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’ અહા! જ્ઞાની વિચિકિત્સારહિત છે. ગમે તેવા નરકાદિના પ્રતિકૂળ સંયોગના ઢગલામાં પડયો હોય તોપણ જ્ઞાનીને દુર્ગંછા, દ્વેષ કે અણગમો થતો નથી. ચારિત્રમોહના નિમિત્તને વશ થતાં જરી ભાવ થઇ આવે છતાં તેનો તે કર્તા નથી. માટે જ્ઞાનીને દ્વેષ નથી, વિચિકિત્સા નથી. તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી, પરંતુ નિર્જરા જ છે. જરી પરિણામ એવા કમજોરીના કારણે થયા હોય તે ખરી જાય છે એમ કહે છે.
‘સમ્યગ્દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી.’
અહા! ભૂખ, તરસ, ઠંડી, ગરમી આદિ ભાવો પ્રત્યે કે વિષ્ટા, સડેલાં શરીર ઇત્યાદિ મલિન દ્રવ્યો પ્રત્યે કે નિંદા યુક્ત કર્કશ વચનો પ્રત્યે જ્ઞાની દુર્ગંછા, જુગુપ્સા કે દ્વેષ કરતો નથી. અહા! મુનિનું શરીર કોઢિયું દુર્ગંધવાળું દેખાય કે મલિન દેખાય તોપણ જ્ઞાની જુગુપ્સા કરતો નથી કેમકે એ તો શરીરનો (પરનો) ધર્મ છે એમ તે જાણે છે.
જુઓ, એક માણસને દામનગરમાં ઉલટી થતી હતી. તો એક વખત ઉલટીનું એવું જોર થયું કે અંદરથી ઉલટીમાં વિષ્ટા આવી. જુઓ આ દેહ! શરીરની આવી સ્થિતિ થવા છતાં ધર્મીને તેના પ્રત્યે દ્વેષ થતો નથી. અહા! જેના મોઢે મીઠાં પાણી ને મીઠી સાકર આવે તેના મોઢે અંદરથી વિષ્ટા આવી! અને છતાં જેણે અંદર પોતાના ભગવાનને ભાળ્યા છે. અહા! ત્રણલોકનો નાથ ચિદાનંદ પ્રભુ આત્માનો જેને અંદર ભાસ થઈને ભરોસો પ્રગટયો છે તે ધર્મીને એમાં દુર્ગંછા દ્વેષ કે અણગમો થતો નથી.