પ૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
બીલકુલ અણગમો થતો નથી? અરે ભાઈ! કમજોરીના કારણે કિંચિત્ એવો ભાવ આવે છે પણ તેનો ધર્મી કર્તા થતો નથી ને માટે તેને અણગમો નથી. એ જ કહે છે જુઓ-
‘જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.’
જોયું? પ્રકૃતિના જોડાણમાં જરી એવો અસ્થિરતાનો ભાવ (અણગમો) થઈ જાય પણ તેનો તે કર્તા થતો નથી, તેનો માત્ર જ્ઞાતા રહે છે. પોતે જ્ઞાયક છે એમ ભાસ્યું છે ને? તેથી અસ્થિરતાના ભાવનો સ્વામી થતો નથી પણ જાણનારો રહે છે. તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.
જુઓને! શાસ્ત્રમાં આવે છે ને કે ચોથા આરે રાજાએ મુનિવરોને ઘાણીમાં પીલ્યા. અહા! તે કાળ કેવો હશે? અરે! રાજાએ હુકમ કર્યો કે મુનિવરોને ઘાણીમાં પીલો. તોપણ અહા! શાંતરસમાં લીન મુનિવરો તો શાંત-શાંત-શાંત પરમ શાંત રહ્યા; રાજા પ્રત્યે તેઓને દ્વેષ ન થયો.
અહા! મુનિવરો તો મહા પવિત્રતાના પિંડરૂપ હતા. પરંતુ જિનમતનો દ્વેષ કરનારાઓએ છટકું ગોઠવ્યું હતું. વિરોધીઓએ કોઈકને નગ્ન સાધુ બનાવ્યો ને તેને રાજાની રાણી સાથે વાર્તાલાપમાં રોકયો. અને બીજી બાજુ રાજાને કહ્યું-મહારાજ! જુઓ આ નગ્ન સાધુ! તમારી રાણી સાથે પણ સંબંધ કરે છે! રાજાને શંકા પડી કે આ નગ્ન સાધુ બધા આવા જ છે. એટલે હુકમ કર્યો કે તેઓને ઘાણીએ પીલો. અહા! વીતરાગરસના રસિયા તે મુનિવરો જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે ધ્યાનમાં-નિજાનંદરસમાં મગ્ન થઈ ગયા પરંતુ એ પીલનાર પ્રતિ કે રાજા પ્રત્યે દ્વેષનો અંશ પણ તેમને થયો નહિ. અહીં કહે છે-જ્ઞાનીને બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો અભાવ છે, દ્વેષનો અભાવ છે. અસ્થિરતાવશ કદાચિત્ કોઈ પ્રકૃતિના ઉદયમાં જરી જોડાય તોપણ તેનું કર્તાપણું નહિ હોવાથી તેને બંધ થતો નથી પણ પ્રકૃતિ ઉદયમાં આવી ખરી જાય છે ને અશુદ્ધતા પણ ખરી જાય છે ને તેથી તેને નિર્જરા જ છે. આ ત્રણ બોલ થયા. હવે અમૂઢતાની વાત કહેશે.