પ૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
શું કહે છે? ‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ,...’ સમ્યગ્દ્રષ્ટિ એટલે ધર્મી; જુઓ, ‘ચેદા’ -ચેતયિતા શબ્દ છે આમાં. સમ્યગ્દ્રષ્ટિ એટલે ચેતયિતા અર્થાત્ જાણગ-જાણગ એવા એક જ્ઞાયકભાવનો ધરનારો ધર્મી-સમ્યગ્દ્રષ્ટિ છે. શું કહ્યું? ભગવાન આત્મા એક જ્ઞાયકભાવમય છે ને તેનો ધરનારો સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! સમકિતીની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ પર છે. ભાઈ! આ તો થોડું કહ્યું ઘણું કરીને જાણવું; કેમકે ભાવ તો અતિ ગંભીર છે.
શું કીધું? કે સમ્યગ્દ્રષ્ટિ નામ સત્-દ્રષ્ટિ એને કહીએ કે જેને સત્ એવા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે. અહા! સત્ની દ્રષ્ટિમાં આનંદાદિ જે અનંતી સ્વરૂપભૂત શક્તિઓ છે તે બધીયનો અંશ જેને પ્રગટ અનુભવમાં આવ્યો છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’-એમ શ્રીમદ્ રાજચંદ્રમાં આવે છે ને! રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં પણ શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે-“ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે તેની તથા તેરમા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશરૂપ પ્રગટ થયા છે તેની એક જ જાતિ છે.” અહા! સમકિતીને જેટલા અનંત ગુણો છે તે બધાય એકદેશ-અંશરૂપ પર્યાયમાં પ્રગટ થાય છે. આવો ધર્મી-સમકિતી હોય છે.
તો કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવપણાને લીધે, જો પોતાનો આત્મા માર્ગથી ચ્યુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે,...’
જોયું? અહીં તો સમ્યગ્દ્રષ્ટિ પોતે પોતામાં સ્થિતિ કરે છે એમ કહે છે. અહા! પોતે કદાચિત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ માર્ગમાંથી ચ્યુત થાય તો પોતાને માર્ગમાં જ સ્થિત કરે છે એમ કહે છે. અહા! જગતની કોઈ ભારે પ્રતિકૂળતા ભાળીને કે અંદરમાં પોતાની નબળાઈને લઈને કોઈ શંકાદિ દોષ થઈ જાય તો તેને કાઢી નાખે છે-એમ કહે છે.
‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’–એમ સૂત્ર છે ને? એટલે શું? કે શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં પ્રતીતિ, જ્ઞાન ને તેમાં જ રમણતા થવી તે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. હવે આવા શુદ્ધ રત્નત્રયરૂપ માર્ગથી ડગવાનો પ્રસંગ થાય તેવા સંજોગમાં સમકિતી પોતે પોતાને માર્ગમાં જ સ્થાપિત કરે છે. અહા! જગતમાં કોઈ પુણ્યને લઈને મિથ્યાદ્રષ્ટિનો લોકો મોટો મહિમા કરતા હોય તેવે પ્રસંગે સમકિતી ધર્મીજીવ ખૂબ શાંતિ ને ધીરજ રાખે છે અને પોતાને માર્ગમાંથી ડગતો બચાવી લે છે. તેને એમ ન થાય કે આ શું? પોતે પોતાને માર્ગમાં નિશ્ચળ સ્થિત કરી દે છે. તે વિચારે છે કે પુણ્યને લઈને અધર્મીનો પણ લોકો ભારે મહિમા કરે તો કરો, પણ પુણ્ય કાંઈ (હિતકારી) વસ્તુ નથી.