સમયસાર ગાથા-૨૩૪ ] [ પ૨૧
અહા! સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધ રત્નત્રયરૂપ માર્ગથી ચ્યુત થાય તો પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. તેને એક જ્ઞાયકભાવમયપણું છે ને? તો અંતઃસન્મુખતાના પુરુષાર્થ દ્વારા પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. જુઓ, આ પ્રમાણે પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી સ્થિતિકારી છે. ધર્મીને સ્થિતિકરણ છે.
હવે કહે છે-‘તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’
અહા! સમ્યગ્દર્શનમાં જેને સ્વસ્વરૂપનો-અતીન્દ્રિય આનંદના નાથનો-ભેટો થયો છે તે માર્ગમાંથી ચળતો નથી અને કદાચિત્ ચ્યુત થવાનો પ્રસંગ આવી પડે તો પોતે પોતાને માર્ગમાં જ સ્થાપિત કરી દે છે. આ પ્રમાણે સ્થિતિકરણ નામનો ગુણ હોવાથી સમકિતીને માર્ગથી ચ્યુત થવાના કારણે જે બંધ થાય તે થતો નથી. સ્થિતિકરણ છે ને? તેથી બંધ થતો નથી પરંતુ નિર્જરા જ છે. અહીં સ્થિતિકરણ ગુણ કહ્યો પણ એ પર્યાય છે. ગુણ તો ત્રિકાળ હોય છે. આ તો પર્યાયમાં સ્થિરતા કરે છે તેને સ્થિતિકરણ ગુણ કહે છે.
‘જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે.’ જોયું? મોક્ષમાર્ગ સ્વરૂપરૂપ છે; મતલબ કે આ વ્રતાદિ પરિણામ તે મોક્ષમાર્ગ એમ નહિ. મોક્ષમાર્ગ સ્વરૂપરૂપ છે અને તેમાં સ્થિત થવું તે સ્થિતિકરણ છે. સમકિતી સ્થિતિકરણગુણ સહિત છે. ‘તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી, પરંતુ ઉદયમાં આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.’