સમયસાર ગાથા-૨૩૬ ] [ પ૩૩ એમ છે જ નહિ. જોતા નથી? સાવ મૂર્ખ જેવાઓને પણ અઢળક ધનનો સંયોગ હોય છે.
અહીં કહે છે-સમ્યગ્જ્ઞાનરૂપી રથપંથમાં વિહરતો જ્ઞાની જિનજ્ઞાનપ્રભાવી અર્થાત્ વીતરાગવિજ્ઞાનનો પ્રભાવ કરનારો છે. વીતરાગવિજ્ઞાન એટલે પોતાનું વીતરાગી જ્ઞાન હોં. અહા! ધર્મી જીવ જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો છે અર્થાત્ સ્વ-આશ્રયે પ્રગટ થતું જે વીતરાગવિજ્ઞાન તેની તે પ્રભાવના કરનારો છે. આવો મારગ છે.
તો તે બહારની પ્રભાવના કરે છે કે નહિ? ના; બહારનું કોણ કરે? ધર્મીને એવો વિકલ્પ આવે પણ એ તો રાગ છે. અહા! મોટા ગજરથ ચલાવવાનો ભાવ આવે તે શુભરાગ છે. (તેને પ્રભાવના કહેવી એ તો ઉપચારમાત્ર છે.) વળી તેમાં (શુભરાગમાં) જો કોઈ અભિમાન કરે કે અમે આ પ્રભાવના કરી તો તે મિથ્યાત્વ છે. ભાઈ! જ્ઞાની તો રાગનો કર્તા જ થતો નથી ને; ત્યાં એ બાહ્ય પ્રભાવના કરે છે એમ કયાં રહ્યું?
તો લોકો કહે છે ને? લોક તો કહે; આ કહેતા નથી? કે ‘લોક મૂકે પોક.’ લોકને શું ભાન છે? મોટા વકીલ-બેરિસ્ટર હોય કે દાક્તર હોય કે ઇંજનેર હોય, આત્માના ભાન વિનાના તે બધા જ અજ્ઞાની છે.
જુઓ, તો ખરા! અહીં ભાષા કેવી લીધી છે? કે ધર્મી ‘જિનજ્ઞાનપ્રભાવી’ છે. એટલે શું? કે જિન નામ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે તેનું જ્ઞાન નામ વીતરાગવિજ્ઞાનરૂપ નિર્મળ દશાની ધર્મી પ્રભાવના કરનારો છે. જિનજ્ઞાન અર્થાત્ જિનેશ્વરનું જ્ઞાન એમ કીધું છે ને? મતલબ કે ભગવાન આત્મા પોતે જિનેશ્વર છે અને તેનું જ્ઞાન તે જિનેશ્વરનું જ્ઞાન છે, અને ધર્મી તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો છે. આ બહારનું શાસ્ત્રજ્ઞાન કે બીજું લૌકિક જ્ઞાન છે તે કાંઈ જિનજ્ઞાન નથી. આત્મજ્ઞાન તે જિનજ્ઞાન છે, ને ધર્મી પુરુષ તેની પ્રભાવના કરે છે.
પણ ધર્મી બીજાને જ્ઞાન થાય એમ બહારમાં પ્રભાવના તો કરે ને? અરે ભાઈ! પર સાથે શું સંબંધ છે? પરને જ્ઞાન થાય એ કોણ કરે? એ તો ધર્મીને ઉપદેશાદિનો બાહ્ય પ્રભાવનાનો વિકલ્પ આવે, પણ એ તો શુભરાગ છે, બંધનું કારણ છે; એ કાંઈ જિનેશ્વરનું જ્ઞાન નથી. અહીં કહે છે-ભગવાન આત્મા પોતે જિનેશ્વર પરમેશ્વર એકલા જ્ઞાનાનંદરસનો સમુદ્ર છે; તેનું અંતર્મુખાકાર જ્ઞાન તે જિનેશ્વરનું જ્ઞાન છે અને તેની પ્રભાવના નામ પ્રકૃષ્ટપણે ભાવના કરનારો સમ્યગ્દ્રષ્ટિ-ધર્મી છે. આવો મારગ બહુ ઝીણો છે ભાઈ! અજ્ઞાનીને આમાં એકાંત લાગે છે પણ ભાઈ! સ્વ-આશ્રય વિના બીજી રીતે વ્યવહારથી-રાગથી જિનમાર્ગપ્રભાવના થાય છે એમ છે નહિ.