પપ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ઘણા દિવસનો કચરો ભર્યો હતો તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઇ ગયો. હવે કચરો ઝાડવાનો છે તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે. જ્યારે બધો કચરો ઝડાઇ જશે અને મહેલ ઉજ્જ્વળ બની જશે ત્યારે તે પરમાનંદ ભોગવશે. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું.’
અહા! અનાદિકાળથી આત્મા પુણ્ય-પાપરૂપ વા રાગદ્વેષ વિકારની ઝૂંપડીમાં હતો. પણ પુણ્યના ફળમાં તો મહેલ હોય ને? સમાધાનઃ– ધૂળેય મહેલ નથી સાંભળને. એ ક્યાં મહેલમાં છે? એ તો જ્યાં હોય ત્યાં રાગમાં-કષાયમાં છે. અરે ભાઈ! એ મહેલમાં રહ્યો છે કે વિકારમાં-કષાયમાં? અનાદિથી તે તો રાગની -કષાયની ઝૂંપડીમાં રહ્યો છે. અહીં દ્રષ્ટાંતમાં જેમ ભાગ્યના ઉદયથી સંપદા સહિત મહેલ મળ્યો તેમ ધર્મીને સ્વસન્મુખતાના પુરુષાર્થથી આનંદના અનુભવ સહિત ભગવાન આત્મા પ્રાપ્ત થયો છે. અહા! ઝૂંપડીમાં રહેતો હતો તેને મહેલ મળ્યો અને પાછો ધનસહિત હોં; તેમ ધર્મી જીવ કષાયની ઝૂંપડીમાં રહેતો હતો તેને આનંદ સહિત જ્ઞાનાનંદમય આત્મ-મહેલ મળ્યો. હવે તે તે મહેલનો સ્વામી થઇ ગયો. હવે તો કચરો કાઢવાનો છે તે હળવે-હળવે કાઢશે.
અહા! અજ્ઞાનભાવે પૂર્વે કર્મ બંધાયેલાં છે ને? તો તે અંદર કચરો પડયો છે એમ કહે છે. પણ હવે અનંતલક્ષ્મીના ભંડાર સહિત ભગવાન આત્માનો ધર્મી સ્વામી થયો છે. અહા! પુરુષાર્થની જાગૃતિથી પોતાનાં સમ્યક્ પ્રકારે જ્ઞાન-શ્રદ્ધાન થયાં ત્યારથી ધર્મી જીવ અનંતી ચૈતન્યસંપદા સહિત ભગવાન આત્માનો સ્વામી થઇ ગયો છે. ત્યાં દ્રષ્ટાંતમાં તો ભાગ્યના ઉદયથી લક્ષ્મીયુક્ત મહેલનો સ્વામી થયો છે પણ ધર્મી જીવ તો પુરુષાર્થની જાગૃતિથી ચૈતન્યલક્ષ્મીરૂપ આત્માનો સ્વામી થયો છે; બેમાં આટલો ફેર છે.
અહાહા....! આત્મા અનંતગુણરિદ્ધિથી સમૃદ્ધ પૂરણ જ્ઞાન ને આનંદથી ભરેલો ભગવાન છે. ‘ભગ’ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મીથી ભરેલો આત્મા ભગવાન છે. આવા શુદ્ધચિદાનંદઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ-પ્રતીતિ થતાં તે આત્માનો સ્વામી થઇ ગયો છે. હવે તેને વિકારની દ્રષ્ટિ અને વિકારનું સ્વામિત્વ નાશ પામી ગયાં છે. તેથી પૂર્વનાં કર્મો કોઇ હજુ પડયાં છે, કચરો પડયો છે તે સ્વરૂપની એકાગ્રતાના અભ્યાસ વડે હળવે- હળવે ટળી જશે, ઝરી જશે, નાશ પામી જશે.
હા, પણ એ બધું આ બહારનું (સ્ત્રી-પરિવાર આદિ) છોડશે ત્યારે ને? સમાધાનઃ– બહારનું કોણ છોડે? અને શું છોડે? એ બધાં પરને શું એણે ગ્રહ્યાં છે કે છોડે? અરે ભાઈ! પરને હું છોડું છું એ માન્યતા જ મિથ્યાત્વ છે