સમયસાર ગાથા-૨૩૬ ] [ પપ૭ કેમકે પરનાં ગ્રહણ-ત્યાગ આત્માને છે જ નહિ. અહા! આત્મામાં ત્યાગઉપાદાનશુન્યત્વ નામની શક્તિ છે. આ શક્તિના કારણે તે પરનાં ગ્રહણ-ત્યાગ કરે એવું છે જ નહિ. પોતાનામાં પરનો જ્યાં ત્રિકાળ ત્યાગ જ છે ત્યાં ત્યાગ કોનો કહેવો? અહા! મિથ્યાત્વ અને રાગને છોડયાં એમ કહેવું એ પણ વ્યવહાર છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા જ્યાં દ્રષ્ટિમાં આવ્યો ત્યાં મિથ્યાત્વ ઉત્પન્ન જ થયું નહિ તો મિથ્યાત્વને છોડયું એમ કહેવામાં આવે છે. અહા! સ્વભાવનું ગ્રહણ થતાં વિભાવ છૂટી ગયો, ઉત્પન્ન થયો નહિ તો વિભાવને છોડયો એમ નામમાત્ર કથનથી કહેવામાં આવે છે.
એ તો ગાથા ૩૪માં (ટીકામાં) આવે છે કે આત્માને રાગના ત્યાગનું કર્તાપણું છે એ નામમાત્ર છે. હવે ત્યાં પરના (ધન, કુટુંબાદિના) ત્યાગ-કર્તાની તો વાત જ ક્યાં રહી? તેઓ ક્યાં આત્મામાં છે કે તેનો ત્યાગ કરે? પરનો તો સ્વદ્રવ્યમાં ત્રિકાળ અભાવ જ છે. પરંતુ અંદરમાં પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન છોડીને અનંતકાળથી તે ‘રાગ ને પુણ્ય-પાપના ભાવ તે હું’ -એવી પ્રતીતિમાં વસ્યો છે. તે વિકારની ઝૂંપડીમાં વસેલો દરિદ્રી ભિખારી છે. અહા! અહીં બહારમાં મોટો અબજપતિ શેઠીઓ હોય પણ વિકારમાં તે વસે છે તો ભિખારી છે, દરિદ્રી છે. ઝીણી વાત છે ભાઈ!
અહા અનાદિથી જે વિકારમાં વસ્યો હતો તેને સંસારની પ્રાપ્તિ હતી. પરંતુ હવે પુરુષાર્થ જાગ્રત કરીને અંદર ભગવાન આત્માને ભાળ્યો તો, દ્રષ્ટાંતમાં જેમ કોઇને લક્ષ્મી સહિત મહેલ મળ્યો તેમ, તેને અનંત અનંત આનંદની લક્ષ્મી સહિત ભગવાન આત્માની પ્રાપ્તિ થઇ. હવે ધીમે-ધીમે તે અંદર જે પૂર્વનો કચરો-કર્મ છે તેને સ્વરૂપની એકાગ્રતા વડે ટાળશે. આ નિર્જરા અધિકાર છે ને? એટલે કહે છે કે તેને આ બાજુ (સ્વભાવમાં) એકાગ્રતા-લીનતા કરતાં કરતાં પૂર્વની પ્રકૃતિ-કર્મઅશુદ્ધતા છે તે ટળી જશે અને તેથી તે પરમાનંદને ભોગવશે. અહા! જ્ઞાનીને આનંદનો અનુભવ તો થયો છે, પણ પૂર્ણ આનંદનો અનુભવ નથી. એટલે હવે તે પોતાના સ્વભાવમાં સ્થિરતા કરીને પૂર્વનાં કર્મ છે તેને ખેરવી નાખશે અને ત્યારે તે પરમાનંદને ભોગવશે, અર્થાત્ પરમ આનંદરૂપ મુક્તદશાને પ્રાપ્ત થઇ થશે. આવો મારગ છે.
‘આ પ્રમાણે નિર્જરા (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગઇ.’ એટલે શું? એટલે કે નિર્જરાનું જ્ઞાન-ભાન થઇ ગયું.
‘એ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઇ.’
હવે બધાનો (આખા અધિકારનો) સરવાળો-ટોટલ કહે છે-