Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2500 of 4199

 

૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ એ અહીં ગૌણ કરીને નિશ્ચયનય પ્રધાન કથન કર્યું છે.

હવે અહીં નિશ્ચયની વ્યાખ્યા કરે છે-‘જ્યાં નિર્બાધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. બંધનું કારણ વિચારતાં નિર્બાધપણે એ જ સિદ્ધ થયું કે-મિથ્યાદ્રષ્ટિ પુરુષ જે રાગદ્વેષમોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે.’ સમ્યગ્દર્શન પછી જે રાગાદિક એકલા (અસ્થિરતાના) થાય છે તે બંધનું (મુખ્ય) કારણ નથી એમ કહેવું છે. હવે કહે છે-

‘તે સિવાય બીજાં-બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, મન-વચન-કાયના યોગ, અનેક કરણો તથા ચેતન-અચેતનનો ઘાત-બંધનાં કારણ નથી; જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળજ્ઞાનીઓને અને સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે છે. પરંતુ તેમને તો બંધ થતો નથી.’

શું કહ્યું? કે સિદ્ધો કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં હોવાથી તેમને બંધ થવો જોઈએ; યથાખ્યાત ચારિત્રવાળાઓને મન-વચન-કાયના યોગની ક્રિયા થાય છે તેથી તેમને પણ બંધ થવો જોઈએ, કેવળજ્ઞાનીઓને પણ કરણો નામ ઇન્દ્રિયો છે તેથી તેમને પણ બંધ થવો જોઈએ અને સમિતિરૂપે પ્રવર્તતા મુનિઓને ચેતન-અચેતનનો ઘાત થાય છે તેથી તેમને પણ બંધ થવો જોઈએ. પરંતુ, અહીં કહે છે તેમને તો બંધ થતો નથી. હવે કહે છે-

‘તેથી આ હેતુઓમાં (-કારણોમાં) વ્યભિચાર આવ્યો.’ એટલે કે આ ચારે પ્રકાર બંધના હેતુ તરીકે નિર્બાધપણે સિદ્ધ થતા નથી.

‘માટે બંધનું કારણ રાગાદિક જ છે એ નિશ્ચય છે.’ ઉપયોગમાં રાગાદિકરણ એ એક જ બંધનું કારણ નિશ્ચયથી નિર્બાધપણે સિદ્ધ થાય છે. અહા! ઉપયોગમાં રાગની એકતા-ચિકાશ એ જ નિશ્ચયથી બંધનું કારણ છે.

‘અહીં સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું અને અવિરત, દેશવિરતનું નામ ન લીધું તેનું કારણ એ છે કે-અવિરત તથા દેશવિરતને બાહ્ય સમિતિરૂપ પ્રવૃત્તિ નથી તેથી ચારિત્રમોહસંબંધી રાગથી કિંચિત્ બંધ થાય છે; માટે સર્વથા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો તેઓ પણ નિર્બંધ જ જાણવા.’

ચોથા અને પાંચમા ગુણસ્થાનવાળાને, જેવી મુનિને હોય છે તેવી વ્યવહારની સમિતિનો અભાવ છે. તેથી તેમને સર્વથા બંધનો અભાવ નથી પણ કથંચિત્ બંધ છે તેથી તેમનું નામ અહીં ન લીધું. બાકી એને અંતરંગમાં સ્વભાવદ્રષ્ટિ થઇ છે અને રાગની એકતાબુદ્ધિ તૂટી ગઈ છે એ અપેક્ષાએ તો તે બંધરહિત જ જાણવા સમયસાર ગાથા ૧૪- ૧પ માં આવે છે ને કે-