Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2508 of 4199

 

૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ નહિ. ભારે વાત ભાઈ! ખરેખર તો એ રીતે જે તે સમયે થાય છે એને લોકોની (- વ્યવહારની) ભાષામાં ‘करेदि’ -કરે છે એમ કહેવાય છે.

વળી જ્ઞાની રાગમાં વર્તતો નથી. ત્યારે કોઈ કહે–‘वट्टंतो’ એમ પાઠમાં છે ને?

ભાઈ! એ તો બહારથી જોનાર દુનિયા એમ જાણે કે આ યોગાદિમાં વર્તે છે એટલે ‘वट्टंतो’ શબ્દ વાપર્યો છે. આ તો લોકવ્યવહારની ભાષા છે બાપુ! બાકી જેને પોતાના અપરિમિત ચૈતન્યસ્વભાવમાં સુખ ભાસ્યું છે તે, જ્યાં સુખ નથી ત્યાં (-રાગમાં) કેમ રહે? અહાહા...! જેણે પૂર્ણ એક જ્ઞાયકસ્વભાવી સુખધામ નિત્યાનંદ પ્રભુ આત્માનો આશ્રય લીધો તે હવે રાગના આશ્રયમાં કેમ રહે? અહો! ધર્માત્મા પુરુષ પોતાના ઉપયોગમાં રાગ સાથે સંબંધ જ કરતો નથી. અહાહા...! સમ્યગ્દર્શનનો આવો કોઈ અદ્ભૂત મહિમા છે! સમજાણું કાંઈ...?

* ગાથા ૨૪૨ થી ૨૪૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેવી રીતે તે જ પુરુષ...’ શું કહ્યું? પુરુષ તો એના એ જ છે; પહેલાં જે તેલના મર્દનયુક્ત હતો તે જ પુરુષની વાત છે તો કહે છે-

‘જેવી રીતે તે જ પુરુષ, સમસ્ત સ્નેહને (અર્થાત્ સર્વ ચીકાશને-તેલ આદિને) દૂર કરવામાં આવતાં, તે જ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી ભૂમિમાં (અર્થાત્ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી તે જ ભૂમિમાં) તે જ શસ્ત્ર વ્યાયામરૂપી કર્મ (ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધાતો-લેપાતો નથી, કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ છે.’

જુઓ, આ દ્રષ્ટાંત છે. એમાં આ કરતો ને તે કરતો-એમ કરતો, કરતો આવે છે. તો કોઈ કહે-જુઓ આમાં લખ્યું છે; તો કરે છે કે નહિ?

એમ ન હોય ભાઈ! આત્મા પરનું કરે એ તો મિથ્યાત્વભાવ છે. આ તો અહીં દ્રષ્ટાંતમાં તેનો એક અંશ લઈને સિદ્ધાંત સમજાવવો છે.

હવે દ્રષ્ટાંતને સિદ્ધાંતમાં ઉતારે છેઃ ‘તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ, પોતામાં રાગાદિકને નહિ કરતો થકો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં તે જ કાય- વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી, કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ (-રાગમાં જોડાણ) તેનો અભાવ છે.’

જુઓ, આ સમકિતનો મહિમા! જે સ્વભાવની દ્રષ્ટિમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા ભાળ્‌યો તે દ્રષ્ટિ નામ દર્શન-સમ્યગ્દર્શન શું ચીજ છે તે બતાવે છે.