સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ] [ ૨૯ અહાહા...! કહે છે-સમ્યગ્દ્રષ્ટિ પોતામાં રાગાદિકને કરતો નથી. શું કીધું? કે અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવમાં રાગાદિકને એકમેક કરે છે, પણ જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ પોતાના જ્ઞાનસ્વભાવમાં રાગાદિકને એકમેક કરતો નથી. બન્નેમાં આવો (-આવડો મોટો) ફેર છે! સમજાણું કાંઈ...? અહા! લોકોને સમકિતના મહિમાની ખબર નથી. આ તો બહારમાં ત્યાગ કરે એટલે બધું થઈ ગયું એમ માને! એ વ્રત ને નિયમ લીધાં એટલે સમકિત તો હોય જ એમ લોકોએ માની લીધું છે. પણ બાપુ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! સમકિતી તો એવો છે કે જે વ્રત, નિયમ આદિને પોતાનામાં (ઉપયોગમાં) કરતો નથી, ભેળવતો નથી. લ્યો, આવી વાત છે!
જુઓ, અહીં શું કહે છે? કે સમ્યગ્દ્રષ્ટિને બહારના સંયોગો, પહેલાં મિથ્યાદ્રષ્ટિ હતો ત્યારે જે હતા તેવા જ હોવા છતાં તે બંધાતો નથી. સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં સમ્યગ્દ્રષ્ટિ છે, કાય-વચન-મનની ક્રિયા પણ તે જ પ્રમાણે કરતો હોય છે, તે જ અનેક પ્રકારના કરણો નામ ઇન્દ્રિયો વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો હોય છે તોપણ તે કર્મરજથી બંધાતો નથી. ગજબ વાત! કેમ બંધાતો નથી? કારણ કે બંધનું કારણ જે મિથ્યાત્વ વા જ્ઞાનમાં રાગનું એક કરવું-તેનો તેને અભાવ છે. ભાઈ! મિથ્યાત્વ એ જ સંસાર, એ જ આસ્રવ અને એ જ બંધનું મૂળ કારણ છે. બીજી વાતને (-અસ્થિરતાને) ગૌણ કરીને સમ્યગ્દ્રષ્ટિને રાગના યોગનો જે અભાવ છે તેની મુખ્યતાથી તે નિર્બંધ જ છે, બંધાતો નથી એમ કહ્યું છે.
ગૌણપણે બીજો બંધ નથી એમ નહિ, પણ એની અહીં મુખ્યતા કરવી નથી. સમ્યગ્દ્રષ્ટિ પુરુષ બંધનું મૂળ કારણ જે રાગનો યોગ (રાગમાં જોડાણ) તે કરતો નથી એ મુખ્ય છે. અહાહા...! જ્ઞાનીને રાગનો સંબંધ જ નથી કેમકે તેને જ્ઞાનમાં-જ્ઞાનસ્વભાવમાં જોડાણ છે એટલે રાગમાં જોડાણ નથી. જુઓ, સમકિતી ચક્રવર્તી હોય તે ૯૬ હજાર રાણીઓના વૃંદમાં હોય, લડાઈમાં ઊભેલો પણ દેખાતો હોય તોપણ તેને બંધ નથી. રાગાદિનો તેને સંબંધ નથી ને! જે રાગ છે તે અસ્થિરતાનો છે અને તેની અહીં ગણતરી નથી. પણ એ (ચક્રવર્તી) રાગાદિથી એકપણાનો સંબંધ કરે, રાગનું સ્વામિત્વ કરે તો તે મિથ્યાદ્રષ્ટિ થઈને બંધ કરે છે. અહા! આવી ઝીણી વાત છે પ્રભુ!
સમ્યગ્દ્રષ્ટિ આટઆટલા સંયોગોમાં હોય એટલે ‘કરે છે’-એમ કહેવાય; લોકો પણ સંયોગથી જુએ છે ને? એટલે ‘કરે છે’ -એમ કહેવાય; બાકી એ તો એકલો પડી ગયો છે ત્યાં (-રાગથી છૂટો-ભિન્ન પડી ગયો છે ત્યાં) પરને-રાગાદિને કરે ક્યાંથી? ન જ કરે. નિર્જરા અધિકારમાં (ગાથા ૧૯૩ માં) આવી ગયું ને? કે-