૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
એકકોર એમ કહે કે આત્મા પરનો ઉપભોગ કરી શકતો નથી અને વળી અહીં (ઉપરની ગાથામાં) કહે છે કે ચેતન-અચેતનનો ઉપભોગ સમ્યગ્દ્રષ્ટિ કરે છે તો આ કેવી રીતે છે?
ભાઈ! એ તો બહારથી દુનિયા દેખે છે એ અપેક્ષાએ વાત કરી છે. બાકી સમકિતીને તો રાગના યોગનો અભાવ છે. અહાહા...! ધર્મીને તો પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં સંબંધ થયો છે અને રાગનો સંબંધ છૂટી ગયો છે; વ્યવહારરત્નત્રયના રાગનો પણ સંબંધ છૂટી ગયો છે. એટલે શું? એટલે કે વ્યવહારરત્નત્રયનું પણ એને સ્વામિત્વ નથી.
પ્રશ્નઃ– તો પછી એનો કોના ખાતામાં નાખવું? ઉત્તરઃ– એને જડના ખાતામાં નાખવું. ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માના ઉપયોગમાં તે સમાઈ શકે જ નહિ, સમજાણું કાંઈ...? બાપુ! સમ્યગ્દર્શન મૂળ મહિમાવંત ચીજ છે, એ વિના વ્રત, તપ આદિનો કાંઈ મહિમા નથી; એ બધો રાગ તો થોથાં છે.
અજ્ઞાની ભલે મુનિ હોય, પંચમહાવ્રત પાળતો હોય, અઠ્ઠાવીસ મૂળગુણ પાળતો હોય પણ એને રાગની સાથે સંબંધ-જોડાણ છે તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે, વ્યભિચારી છે. આકરી વાત પ્રભુ! રાગની સાથે જેને સંબંધ છે તે વ્યભિચારી છે અને જેને રાગ સાથે સંબંધ નથી તે અવ્યભિચારી-નિર્દોષ પવિત્ર છે. (ખરેખર તો રાગને અને આત્માને વ્યવહારે જ્ઞેય-જ્ઞાયકસંબંધ છે, પણ રાગની સાથે બીજો આડો સંબંધ (-એકપણાનો સંબંધ) કરવો તે વ્યભિચાર છે.)
અહા! સમ્યગ્દર્શન શું છે? એની પ્રાપ્તિ કેમ થાય? ને એ પ્રાપ્ત થતાં જીવની શું સ્થિતિ હોય?-હવે એ વાત લોકોને સાંભળવાય મળે નહિ એ બિચારા કે દિ’ અંદર જાય? એ તો બહારમાં વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના રાગમાં-દુઃખમાં રોકાઈ રહે, જ્યાં (-સુખનિધિ આત્મદ્રવ્યમાં) સુખ છે ત્યાં ન આવે, ભાઈ! આમ ને આમ અનંતકાળ વીતી ગયો છે બાપુ!
અહીં કહે છે-ધર્મીને વ્યવહારરત્નત્રયનો વિકલ્પ હોય છે પણ એમાં તે રોકાણો નથી, અર્થાત્ એની સાથે તે સંબંધ-જોડાણ કરતો નથી. ધર્મીએ તો જેમાં અનંતજ્ઞાન, અનંતસુખ, અનંત આનંદ આદિ અનંત અનંતગુણ સમૃદ્ધિ ભરેલી છે એવા નિજ આત્મા સાથે સંબંધ કર્યો છે તે હવે રાગથી સંબંધ કેમ કરે? કદીય ના કરે-એમ કહે છે.
ભાઈ! સમ્યગ્દર્શન એટલે શું? કે જેણે સંસારરૂપી વૃક્ષની જડ તોડી નાખી છે એનું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન થયા પછી અસ્થિરતાના રાગ-દ્વેષરૂપી ડાળાં-પાંદડાં રહ્યાં એની શું વિસાત? એ તો અલ્પકાળમાં સૂકાઈ જ જવાનાં. મતલબ