૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ સ્વામી નથી. અહાહા....! આવો સ્વસ્વામી સંબંધ જેને નિર્મળ પરિણમ્યો છે તે સમકિતી પુરુષ વ્યવહારરત્નત્રયના રાગનો સ્વામી નથી.
શાસ્ત્રમાં ભિન્ન સાધન-સાધ્યનું કથન આવે છે. ત્યાં કહ્યું છે કે વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય થાય, અર્થાત્ વ્યવહારરત્નત્રય સાધન ને નિશ્ચયરત્નત્રય સાધ્ય છે. ભાઈ! એ તો ત્યાં વ્યવહારરત્નત્રયથી ભિન્ન સાધન-સાધ્ય હોય છે એટલું જ બતાવવું છે. એટલે કે શુદ્ધ સમ્યગ્દર્શન નિશ્ચય છે તે તો સ્વના આશ્રયે પ્રગટ થયેલી દ્રષ્ટિ છે, અને ત્યારે બહારમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ શ્રદ્ધાનો રાગ હોય છે. હવે ત્યાં નિશ્ચય સમકિત તો સ્વરૂપના આશ્રયે જ પ્રગટયું છે, રાગના કારણે નહિ. તો પણ તેને સહચર જાણી વ્યવહારથી આરોપ કરીને સાધન કહેવામાં આવે છે. દેવ-ગુરુ- શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે તો ચારિત્રનો દોષ, છતાં તેમાં શ્રદ્ધા ગુણની પર્યાયનો આરોપ કરીને તેને વ્યવહારથી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં ઘણી બધી સ્પષ્ટતા કરી છે. જ્યાં નિશ્ચયરત્નત્રય પ્રગટે છે ત્યાં દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાના રાગને દર્શન, શાસ્ત્રાદિના શ્રવણ-મનનને જ્ઞાન અને પંચમહાવ્રતાદિના રાગને ચારિત્ર-એમ રાગને શુદ્ધ દર્શન-જ્ઞાન- ચારિત્રનો આરોપ આપીને વ્યવહારરત્નત્રય કહ્યાં છે. પણ તેથી એ રાગ (- વ્યવહારરત્નત્રય) શુદ્ધ રત્નત્રય બની જતાં નથી, મતલબ કે પરમાર્થે તેમાં સાધન- સાધ્યભાવ નથી. વળી ત્યાં કહ્યું છે કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આવું જ સ્વરૂપ જાણવું. મતલબ કે જ્યાં વ્યવહારનું કથન હોય ત્યાં તે ઉપચારમાત્ર આરોપિત કથન છે એમ યથાર્થ જાણવું.
અહીં કહે છે-સમ્યગ્દ્રષ્ટિને બંધનું કારણ જે રાગનો યોગ તેનો અભાવ છે. એટલે કે તેને પોતાના સચ્ચિદાનંદસ્વરૂપમાં જોડાણ થયું હોવાથી તેના મહિમા આગળ રાગનો મહિમા તેને ભાસતો નથી અને તે રાગમાં જોડાણ-સંબંધ કરતો નથી. જેમ બીજાં પરદ્રવ્ય છે તેમ રાગને પણ પર તરીકે જાણે છે. તેથી તેને બંધ થતો નથી.
‘સમ્યગ્દ્રષ્ટિને પૂર્વોક્ત સર્વ સંબંધો હોવા છતાં પણ રાગના સંબંધનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. આના સમર્થનમાં પૂર્વે કહેવાય ગયું છે.’
સમ્યગ્દ્રષ્ટિને પૂર્વોક્ત સર્વ સંબંધો એટલે કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, મન- વચન-કાયની ક્રિયા, પાંચે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અને સચિત્ત-અચિત્તનો ઘાત-એમ સર્વ સંબંધો હોવા છતાં રાગનો સંબંધ-રાગનું એકત્વ કરવું-નથી માટે તેને કર્મબંધ નથી.