પ૬] [પ્રવચન રત્નાકર ભાગ-૮
ત્યારે કોઈ વળી કહે છે-લ્યો, જિનવર ભાષા કરી શકે છે કે નહિ? જુઓ, ગાથામાં-‘जिणवरेहिं पण्णत्तं’ એમ છે કે નહિ?
અરે ભાઈ! એ તો વાણીના કાળે વાણીનું બાહ્ય નિમિત્ત કોણ હતું એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે; બાકી વાણીરૂપે તો ભાષાવર્ગણાના પુદ્ગલોના સ્કંધ પરિણમ્યા છે, ભગવાન જિનેશ્વર નહિ.
જયપુરમાં ખાણિયા-ચર્ચામાં આ પ્રશ્ન થયો હતો કે કુંદકુંદાચાર્ય પહેલી ગાથામાં ‘वोच्छामि’-‘હું કહું છું’ એમ લખ્યું છે ને તમે કહો છો આત્મા કહી શકે નહિ-આ કેવી વાત?
બાપુ! આવી આડોડાઈ ન શોભે ભાઈ! ‘वोच्छामि’ કહ્યું એ તો વ્યવહારનયનું વચન છે. ભાષાવર્ગણાના પરમાણુઓની શબ્દરૂપે પરિણમવાની જે કાળે જેમ યોગ્યતા હોય તે કાળે તેઓ ભાષારૂપે તેમ પરિણમી જાય છે, બીજો જીવ તો તેમાં નિમિત્તમાત્ર છે. બાકી બીજો શું કરે? ભાઈ! તું નયવિભાગ જાણતો નથી તેથી બધા ગોટા ઉઠે છે.
અહીં કહે છે-જીવોને મરણ સ્વ-આયુકર્મના ક્ષયથી જ થાય છે; કોઈ બીજો મરણ કરે છે એમ નહિ.
હવે આમાંય લોકો તર્ક કરે છે કે-કર્મનો ક્ષય થાય છે ત્યારે દેહ છૂટે છે ને? જીવ આયુકર્મ હોય ત્યાંસુધી જ દેહમાં રહે છે ને?
એ તો ભાઈ! જ્યારે દેહ છૂટવાનો કાળ હોય ત્યારે છૂટી જાય છે અને જ્યાં સુધી દેહમાં રહેવાનો કાળ હોય ત્યાંસુધી દેહમાં રહે છે. જીવની કોઈ એવી જ યોગ્યતા છે ને આયુકર્મનો ક્ષય ને ઉદય તે તે કાળે નિમિત્ત હોય છે. ભાઈ! આયુકર્મ તો જડ ભિન્ન છે, ને જીવ ભિન્ન છે. તો જડકર્મ જીવને શું કરે? કાંઈ નહિ. અહીં તો જીવના મરણ કાળે આયુકર્મનો ક્ષય નિયમથી નિમિત્ત છે એમ બતાવવું છે. ‘ખરેખર’- એમ શબ્દ છે ને? ‘ખરેખર’ શબ્દથી આયુકર્મનો ક્ષય નિયમરૂપ નિમિત્ત છે એમ બતાવવું છે પણ એ નિમિત્તથી મરણ થાય છે એમ બતાવવું નથી. અહા! કોઈ પર, પરનું મરણ કરી શકે છે એવી મિથ્યા માન્યતાનો નિષેધ કરવા મરણકાળમાં નિયમરૂપ નિમિત્ત જે આયુકર્મનો ક્ષય તે નિમિત્તની મુખ્યતાથી ગાથામાં વાત કરી છે. સમજાણું કાંઈ....?
શું કહે છે? ‘પ્રથમ તો, જીવોને મરણ ખરેખર સ્વઆયુકર્મના ક્ષયથી જ થાય છે, કારણકે સ્વ-આયુકર્મના ક્ષયના અભાવમાં મરણ કરાવું (-થવું) અશક્ય છે.’ પોતાના આયુકર્મનો ક્ષય ન હોય તો મરણ કરાવું અશક્ય છે. અર્થાત્ કોઈ બીજા કોઈને મારી શકે જ નહિ આ સિદ્ધાંત છે. આ છોકરાઓ કોઈ વેળા રમતા