સમયસાર ગાથા રપ૪ થી રપ૬ ] [ ૮પ સિદ્ધ કરવું છે કે-બીજાથી પોતાનું કર્મ બીજાને દઈ શકાતું નથી, કેમકે પોતાના પરિણામના નિમિત્તથી પોતાનું કર્મ બંધાય છે.
અત્યારે તો બધો ગોટો ઉઠયો છે કે બધું કર્મથી જ થાય; જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે ઇત્યાદિ.
બાપુ! એ તો શાસ્ત્રમાં નિમિત્તનું કથન છે. શું એ જડ કર્મ ચેતનને રોકે? અરે, એ બે વચ્ચે તો અત્યંતાભાવ છે. હવે જ્યાં અત્યંત અભાવ છે ત્યાં કર્મ જીવને શું કરે? કાંઈ નહિ. એ તો જીવ પોતે પોતાની ઉપાદાનયોગ્યતાથી અત્યંત હીણાપણે પરિણમે છે અને પોતે જ પોતાનો ઘાત કરે છે ત્યારે કર્મનું નિમિત્ત હોય છે બસ એટલું જ. ભાઈ! એક તત્ત્વને બીજા તત્ત્વની સાથે ભેળવી નાખે તો એમ ભળે નહિ, પણ તારી માન્યતા ઊંધી થાય, તને મિથ્યાત્વ થાય.
હવે કહે છે-‘માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે-એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.’ લ્યો, હું પરને સુખ-દુઃખ કરું એવો અધ્યવસાય નિશ્ચયથી અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. મિથ્યાદ્રષ્ટિને આવો અધ્યવસાય હોય છે અને તેને તે અનંત સંસારનું કારણ બને છે.
શ્રી જયસેનાચાર્યની ટીકામાં કાયા, મન, વચન અને શસ્ત્ર-એમ ચાર બોલથી વાત લીધી છે. ‘કાયાથી હું બીજાને સુખી-દુઃખી કરી શકું મનથી હું બીજાને સુખી-દુઃખી કરી શકું, વાણીથી હું બીજાને સુખી-દુઃખી કરી શકું કે શસ્ત્રોથી બીજાને કાપી શકું’-એવો અધ્યવસાય-અભિપ્રાય મિથ્યાત્વભાવ છે; કેમકે બીજો તો એના કર્મના ઉદયને લઈને સુખી-દુઃખી થાય છે.
હું શસ્ત્રથી એને કાપું-મારું એ અધ્યવસાય મિથ્યાત્વ છે. અરે ભાઈ! શસ્ત્રને તું અડતોય નથી ત્યાં શસ્ત્રને તું કેમ ચલાવે? અહાહા...! ભગવાન તો એમ કહે છે કે- પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ચુંબે છે, અડે છે; પણ પરદ્રવ્યને ચુંબતું નથી, અડતું નથી. બે ભિન્ન દ્રવ્યોમાં અત્યંતાભાવ છે. તો પછી મન, વચન, કાય, શસ્ત્ર આદિ જડ પદાર્થોથી તું બીજાને સુખી-દુઃખી કેમ કરી શકે? ન કરી શકે. તથાપિ હું બીજાને સુખી- દુઃખી કરી શકું છું એમ તું માને છે તો તું મિથ્યાદ્રષ્ટિ છે. પરથી પરનું કાર્ય થાય, કર્મથી જીવને વિકાર થાય એવી માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. સમજાણું કાંઈ...?
‘જીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતાં ન હોય તો તે આશય અજ્ઞાન છે.’