સમયસાર ગાથા રપ૪ થી રપ૬ ] [ ૯૩ સ્વભાવી આત્મા છું-એમ માન્યું નહિ તેથી તે પોતે પોતાનો જ નિષેધ કરતો થકો, પોતાના શુદ્ધ જ્ઞાન-દર્શનરૂપ ચૈતન્યપ્રાણોની રક્ષા નહિ કરતો હોવાથી હિંસક છે.
અહાહા...! આત્મા ત્રણે કાળ પોતાના ચૈતન્યપ્રાણોથી-જ્ઞાન-દર્શન આદિ પ્રાણોથી જીવે છે; એ એનું વાસ્તવિક જીવતર છે. પણ એને ભૂલીને, એનાથી ભ્રષ્ટ થઈને હું પરનું જીવતર કરું એવો અભિપ્રાય કરે એ તો પોતાના શુદ્ધ પ્રાણોનો ઘાત કરનાર પોતાનો જ હિંસક છે. આવું લોકોને આકરું લાગે, પણ શું થાય?
વળી કોઈ તો કહે છે-પરની દયા પાળવી એ જીવનો સ્વભાવ છે. લ્યો, હવે આવી વિપરીત વાત! અરે ભાઈ! જીવનો તો એક જ્ઞાનસ્વભાવ છે. અહાહા....! જ્ઞાનમાત્ર વસ્તુ ભગવાન આત્મા છે. તેમાં પરનું કરવું આવ્યું ક્યાંથી? ભાઈ! તારી માન્યતામાં બહુ ફેર છે બાપા! પરની દયા પાળવાના અભિપ્રાયને તો અહીં મિથ્યાત્વભાવ કહ્યો છે ભાઈ! દયાને જ્યાં જીવનો સ્વભાવ કહ્યો છે ત્યાં એ સ્વદયાની વાત છે. અહાહા....! જેવો પોતે રાગરહિત વીતરાગ એક જ્ઞાનસ્વભાવી આત્મા છે તેવો પર્યાયમાં પ્રસિદ્ધ કરવો એનું નામ વાસ્તવિક દયા ને અહિંસા છે અને તે આત્માનો સ્વભાવ છે. બાકી પરની દયા પાળવાનો રાગ ઉત્પન્ન કરવો એ કાંઈ જીવ-સ્વભાવ નથી; એને જીવ-સ્વભાવ માને તે મિથ્યાદ્રષ્ટિ છે, પોતાનો જ હિંસક છે.
ગજબ વાત છે ભાઈ! જન્મ-મરણથી રહિત થવાનો માર્ગ આખાય જગતથી જુદો-નિરાળો છે. પરને મારવા-જિવાડવાનો અભિપ્રાય, સ્વરૂપથી ચ્યુત થયેલો એવો વિપરીતભાવ છે, એ તારા સ્વરૂપનો ઘાતક છે પ્રભુ! અહા! આવી વાત સાંભળવાય ભાગ્ય હોય તો મળે, બાકી દુનિયા તો આખી રખડવાના પંથે છે. અરે! અનંતકાળમાં એ કીડા-કાગડા-કૂતરા-નારકી ને મનુષ્યના અવતાર કરી કરીને મરી ગયો છે; તેને એ ચોરાસીના ચક્રાવામાંથી ઉગારી લેવાનો આ એક જ માર્ગ છે; અહા! આ મારગ સમજ્યા વિના તેનો ઉદ્ધાર ક્યાંથી થાય?