૧૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
ટીકાઃ– મિથ્યાદ્રષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે એમ બરાબર નક્કી કરવું. અને પુણ્ય-પાપપણે (પુણ્ય-પાપરૂપે) બંધનું બે-પણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો (અર્થાત્ એમ ન માનવું કે પુણ્યબંધનું કારણ બીજું છે અને પાપબંધનું કારણ કોઈ બીજું છે); કારણ કે એક જ આ અધ્યવસાય ‘દુઃખી કરું છું’ મારું છું’ એમ અને ‘સુખી કરું છું, જિવાડું છું’ એમ બે પ્રકારે શુભ- અશુભ અહંકારરસથી ભરેલાપણા વડે પુણ્ય અને પાપ-બન્નેના બંધનું કારણ હોવામાં અવિરોધ છે (અર્થાત્ એક જ અધ્યવસાયથી પુણ્ય અને પાપ-બન્નેનો બંધ થવામાં કોઈ વિરોધ નથી).
ભાવાર્થઃ– આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. તેમાં, ‘જિવાડું છું, સુખી કરું છું’ એવા શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે અને ‘મારું છું, દુઃખી કરું છું’ એવા અશુભ અહંકારથી ભરેલો તે અશુભ અધ્યવસાય છે. અહંકારરૂપ મિથ્યાભાવ તો બન્નેમાં છે; તેથી અજ્ઞાનમયપણે બન્ને અધ્યવસાય એક જ છે. માટે એમ ન માનવું કે પુણ્યનું કારણ બીજું છે અને પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બન્નેનું કારણ છે.
હવે, અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છે-ઠરાવે છે અર્થાત્ મિથ્યા અધ્યવસાય જ બંધનું કારણ છે એમ નિયમથી કહે છેઃ-
હમણાં જ એક વકીલે પ્રશ્ન કર્યો હતો કે-શુભરાગથી પુણ્ય તો બંધાય ને? (એમ કે શુભરાગ કાંઈક ભલો છે).
ઉત્તરઃ– અરે ભાઈ! હું પરને જિવાડું છું કે સુખી કરું છું-એ અભિપ્રાય જ મિથ્યાત્વ છે. મિથ્યાદ્રષ્ટિને એનાથી પુણ્યબંધ થાય છે. છતાં મિથ્યાત્વની ભૂમિકામાં જે પુણ્યબંધ થાય તે ખરેખર તો પાપ જ છે.
ભાઈ! આ શરીર તો હાડ, માંસ ને ચામડાનો માળો છે; એ કાંઈ આત્મા નથી. અહા! એ તો સ્મશાનમાં ઝળહળ અગ્નિ સળગશે તેમાં ભસ્મીભૂત થઈ જશે. અને અંદર આત્મા તો જેની આદિ નથી, જેનો અંત-નાશ નથી એવી અનાદિ-અનંત અવિનાશી ચીજ છે. અહા! આવા ચિન્માત્ર એક પોતાના આત્માને જાણ્યા વિના આ બધી ક્રિયાઓ કરે પણ એ બધી સંસાર ખાતે છે. એનાથી સંસારની રઝળપટ્ટી બંધ નહિ થાય પ્રભુ!