Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2587 of 4199

 

સમયસાર ગાથા ૨૬૦-૨૬૧ ] [ ૧૦૭

અહા! કોઈ લાખો-કરોડોના ખર્ચે મંદિર બંધાવે ને તેમાં ભગવાનની પ્રતિમા સ્થાપના કરે તે શુભભાવ છે, એનાથી પુણ્યબંધ થાય; અશુભથી બચવા એવો શુભભાવ હોય છે, પણ એનાથી કોઈ ધર્મ થવો માની લે, વા એનાથી જન્મ -મરણરહિત થવાશે એમ માની લે તો તે મિથ્યા છે.

પણ એ (મંદિર વગેરે) ધર્મનું સાધન તો છે ને?

ધુળમાંય સાધન નથી, સાંભળને. એ તો રાગનું સાધન છે, શુભરાગનું બાહ્ય નિમિત્ત છે. એનાથી પોતાનું કલ્યાણ થશે એમ કોઈ માને તો એ વાતમાં કાંઈ માલ નથી. સમજાણું કાંઈ.......?

અહીં કહે છે-‘મિથ્યાદ્રષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે એમ બરાબર નક્કી કરવું.’

જોયું? મિથ્યા નામ અસત્ય દ્રષ્ટિ છે જેને તેને અજ્ઞાનથી જન્મતો જે આ રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. ભગવાન આત્મા તો શુદ્ધ ચિન્માત્ર વસ્તુ છે; તેમાં રાગ-વિકાર છે નહિ. છતાં રાગ-વિકાર સાથે એકપણું માનવું તે અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે અને તે જ કહે છે, બંધનું કારણ છે. એમ નક્કી કરવું. (આ સામાન્ય કથન કર્યું)

હવે વિશેષ કહે છે- ‘અને પુણ્ય-પાપપણે બંધનું બે-પણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો;.....’

અહાહા.....! કહે છે- પુણ્ય-પાપરૂપ બંધમાં બેમાં કારણનો ભેદ ન પાડવો. એમ ન માનવું કે પુણ્યબંધનું કારણ બીજું છે અને પાપબંધનું કારણ કોઈબીજું છે. અહાહા...! ભગવાન આત્મસ્વભાવમાંથી તો રાગની ઉત્પત્તિ થતી નથી; પણ આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય એ એક જ શુભાશુભ બંધનું કારણ છે એમ કહે છે.

અરે! અનાદિકાળના પરિભ્રમણમાં એણે કોઈ દિ, સત્ય સાંભળ્‌યું નથી ને વિચાર્યું નથી. એમને એમ બિચારો ચારગતિમાં રખડી મર્યો છે. કદીક પાંચ-પચાસ કરોડની ધૂળવાળો શેઠિયો થયો તો પૈસાના અભિમાનમાં ચઢી ગયો કે-અમે કરોડોની લાગતથી મંદિર બંધાવ્યાં ને પ્રતિષ્ઠા કરાવી ને બીજાઓને સુખી કર્યા ઈત્યાદિ.

તો એથી (પૈસાથી) ધર્મ તો થાય ને?

ધૂળમાંય ધર્મ ન થાય, સાંભળને. પૈસાથી ધર્મ થાય તો ગરીબો બિચારા શું કરે? તેઓ ધર્મ કેવી રીતે કરે? પૈસામાં શું છે? એ તો ધૂળ-માટી છે, ભિન્ન ચીજ છે. એનાથી ધર્મ કેમ થાય?