સમયસાર ગાથા ૨૬૦-૨૬૧ ] [ ૧૦૯ પડેલા રહીને એકલાં પાપનાં પોટલાં ભરે! એમાં વળી એકાદ કલાક માંડ કાઢીને સાંભળવા જાય તો ધર્મના નામે આવું સાંભળી આવે કે-દયા પાળો ને ઉપવાસ કરો ને ભગવાનની ભક્તિ-પૂજા કરો એટલે ધર્મ થઈ જાય. લ્યો, ત્યાં કુગુરુએ આમ ને આમ બિચારાને મારી નાખ્યા. અહીં કહે છે- હું બીજાની દયા પાળુ, બીજાને જિવાડું કે બીજાને સુખી કરું એવો -અધ્યવસાય અજ્ઞાન છે, મિથ્યાત્વ છે અને તે બંધનું કારણ છે.
અહાહા...! ખૂબી તો જુઓ આચાર્યદેવ કહે છે-બીજાને સુખી કરું ને જિવાડું એવો જે અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે તથા બીજાને દુઃખી કરું ને મારું એવો જે અધ્યવસાય તે પાપબંધનું કારણ છે. પણ આ બન્નેમાં (પુણ્ય ને પાપ બંધમાં) કારણભેદ ન માનવો. બન્નેમાં એ અધ્યવસાય જે રાગમય છે તે એક જ બંધનું કારણ છે; બેમાં બે જુદાં જુદાં કારણ છે એમ નથી. એ જ વાત હવે કારણસહિત દર્શાવે છે-
“કારણ કે એક જ આ અધ્યવસાય ‘દુઃખી કરું છું, મારું છું ‘એમ અને ‘સુખી કરું છું, જિવાડું છું’ એમ બે પ્રકારે શુભ-અશુભ અહંકારરસથી ભરેલાપણા વડે પુણ્ય અને પાપ-બન્નેના બંધનું કારણ હોવામાં અવિરોધ છે”
જોયું? આ એક જ અધ્યવસાયને બે પ્રકારે શુભ-અશુભ અહંકારરસથી ભરેલાપણું છે. હું બીજાને સુખી કરી શકું કે જિવાડી શકું, પણ એનો અહંકાર ન કરવો એમ કેટલાક અર્થ કરે છે પણ એમ નથી બાપુ! શું થાય? જેને જેમ બેઠું હોય તેમ કહે. કહ્યું છે ને કે-
વાંકો બુરો ન માનિયે, ઓર કહાસેં લાય.
પરંતુ ભાઈ! આચાર્યદેવ એમ કહે છે કે-હું બીજાને જિવાડું કે સુખી કરું અને બીજાને મારું કે દુઃખી કરું એવી માન્યતા જ શુભાશુભ અહંકારરસથી ભરેલી મિથ્યાત્વરૂપ છે. હું બીજાને શુભ-અશુભ કરી શકું એવો અધ્યવસાય જ અહંકાર છે. મિથ્યાત્વ છે.
અહીં કહે છે- બીજાને હું શુભ-અશુભ કરું, જિવાડું ને મારું, સુખી કરું ને દુઃખી કરું એવો જે અહંકારરસથી ભરેલો અજ્ઞાનમય અધ્યવસાય છે તે એકથી જ પુણ્ય ને પાપનો બંધ થવામાં કોઈ વિરોધ નથી, અવિરોધ છે. હું જિવાડું ને સુખી કરું એવો રાગનો પરિણામ કરે અને હું મારું ને દુઃખી કરું એવો દ્વેષનો પરિણામ કરે, પણ એ બન્ને એક જ અજ્ઞાનમય અધ્યવસાય છે અને તે પુણ્ય-પાપના બંધનું કારણ થાય છે.
પ્રશ્નઃ– પુણ્ય બંધાય એ તો સારું ને?