૧૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
ઉત્તરઃ– એ બંધાય છે એને સારું કેમ કહેવાય? અહાહા....! ભગવાન આત્મા અંદર આનંદનો નાથ પ્રભુ સદા અબદ્ધસ્વરૂપ મુક્તસ્વરૂપ છે. તે પુણ્યથી બંધાય એ સારું કેમ કહેવાય! એને પર્યાયમાં બંધ થાય એ સારું કેમ હોય? અરે ભાઈ! પાપ જો લોઢાની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે; પણ તે છે તો બેડી જ. લોઢાની બેડી કરતાંય સોનાની બેડીનું વજન બહુ અધિક હોય. એનો પછી ભાર લાગતાં હાડકાં ઘસાઈને બહુ દુઃખી થાય તેમ પુણ્યની રુચિના ભારથી તું દુઃખી થઈશ ભાઈ! દુનિયા તો આખી ગાંડી-પાગલ છે. એ તો પુણ્યને સારું કહે અને પુણ્યવંતને સારાં સર્ટીફિકેટ પણ આપે. પણ બાપુ! એ પાગલના સર્ટીફિકેટ શું કામનાં? ભગવાન! તું પુણ્યની રુચિમાં જ આજ લગી મરી ગયો છો.
અહા! આ મારગડા જુદા ભાઈ! આ તો વીતરાગનો મારગ નાથ! આવું મનુષ્યપણું તને અનંતવાર આવ્યું ભાઈ! પણ પુણ્યના રસમાં પાગલ તને અંદર ભગવાન છે એનું ભાન ન થયું. અહા! પોતાના ભાન વિના ક્યાંય કાગડા-કુતરા ને કીડાના ભવમાં દુઃખમાં સબડતો રઝળ્યો. હવે (આ ભવમાં) પણ જો અંતઃતત્ત્વની વાસ્તવિક દ્રષ્ટિ ના કરી, જેવું સ્વરૂપ છે તેવું પ્રતીતિમાં ને અનુભવમાં ન લીધું તો તારાં જન્મ-મરણનો આરો નહિ આવે; ચોરાસીના અવતારમાં ક્યાંય રઝળીને મરી જઈશ.
‘આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. જુઓ, અહીં પુણ્પ-પાપ-એમ શબ્દો નથી લીધા, અહીં તો ‘હું આને જિવાડું-મારું છું; આને સુખી-દુઃખી કરું છું, એવો જે અજ્ઞાનમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે એમ કહ્યું છે. હવે કહે છે -
‘તેમાં, ‘જિવાડું છું, સુખી કરું છું ‘એવા શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે અને મારું છું, દુઃખી કરું છું ‘એવા અશુભ અહંકારથી ભરેલો તે અશુભ અધ્યવસાય છે. અહંકારરૂપ મિથ્યાભાવ તો બન્નેમાં છે; તેથી અજ્ઞાનમયપણે બન્ને અધ્યવસાય એક જ છે.’
અજ્ઞાનપણાની અપેક્ષાએ શુભ ને અશુભ બેય રાગ એક જ છે, અજ્ઞાન છે. ‘માટે એમ ન માનવું કે પુણ્યનું કારણ બીજાું છે અને પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બન્નેનું કારણ છે.’ અહા! અજ્ઞાનીને પુણ્ય પરિણામ હો કે પાપ પરિણામ હો, તે બન્નેમાં રહેલો મિથ્યાભાવ-અજ્ઞાનમય અધ્યવસાય જ અનંત સંસારનું કારણ છે; બહારની ક્રિયાથી બંધ નથી.