૧૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
‘આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું’-
એમ હવે કહે છે -
‘પર જીવોને પોતાના કર્મના ઉદયની વિચિત્રતાના વશે પ્રાણોનો વ્યપરોપ (- ઉચ્છેદ, વિયોગ) કદાચિત થાઓ, કદાચિત ન થાઓ, - “ હું હણું છું” એવો જે અહંકારરસથી ભરેલો હિંસામાં અધ્યવસાય (અર્થાત્ હિંસાનો અધ્યવસાય) તે જ નિશ્ચયથી તેને (હિંસાનો અધ્યવસાય કરનારા જીવને) બંધનું કારણ છે, કેમ કે...’
શું કહ્યું? સામો પર જીવ એના કર્મને કારણે એટલે એનો આયુકર્મનો ઉદય હોય તો, આને મારવાના તીવ્ર દ્વેષ પૂર્વક ચેષ્ટા હોય તોય કદાચિત્ ન મરે. અહીં કહે છે કે તે મરે કે ન મરે તેના પ્રાણોનો ઉચ્છેદ થાય કે ન થાય, હું હણું છું-એવો અહંકારરસથી ભરેલો જે અધ્યવસાય આને છે તે જ નિશ્ચયથી તેને બંધનું કારણ છે. સામા જીવને આયુષ્યનો ઉદય હોય તો આને મારવાના ભાવ હોય અને મારવા પ્રવૃત્ત થાય તોય ન મરે, અને સામા જીવને આયુષ્યનો ક્ષય થાય તો આ જિવાડવાના ભાવથી જિવાડવા પ્રયત્ન કરે તોય ન જીવે, મરી જાય; એ તો બધું સામા જીવની દેહમાં રહેવાની સ્થિતિની યોગ્યતા મુજબ એના આયુકર્મને અનુસરીને થાય છે. તેથી કહે છે કે- સામો જીવ મરે કે ન મરે, એની સાથે હિંસાનો સંબંધ નથી, પણ આને હિંસામાં જે અહંકારયુક્ત અજ્ઞાનમય અધ્યવસાય થાય છે તે જ હિંસા ને બંધનું કારણ છે. સમજાણું કાંઈ....?
હવે એનું કારણ સમજાવતાં કહે છે-‘કેમકે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વ્યપરોપ તે પરથી કરાવો અશક્ય છે (અર્થાત્ તે પરથી કરી શકાતો નથી).
શું કહે છે? કે બીજા જીવના પ્રાણ-પાંચ ઈન્દ્રિય, મન-વચન-કાય તથા શ્વાસોચ્છ્વાસ ને આયુ-એ પરનો ભાવ છે; એ કાંઈ આત્માના ભાવ નથી, પરભાવરૂપ (પરની હયાતીરૂપ) એવા એ પ્રાણોનો નાશ નિશ્ચયથી બીજા કોઈથી કરી શકાતો નથી. અહાહા....! તારા ભાવથી બીજાના પ્રાણોનો નાશ કરાવો અશક્ય છે. એના પ્રાણોનો નાશ થવો કે ન થવો એ તો એના આયુકર્મને લીધે છે. તારા ભાવને કારણે બીજાનું મરણ આદિ બની શકતું નથી. હવે આવી તો ચોખવટ છે, છતાં કોઈ પંડિતો આમાં ગોટા વાળે છે.