સમયસાર ગાથા -૨૬૨ ] [ ૧૧૩
‘નિશ્ચયનયે બીજાના પ્રાણોનો વિયોગ બીજાથી કરી શકાતો નથી; તેના પોતાના કર્મના ઉદયની વિચિત્રતાવશ કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતો. ’
મતલબ કે તેના આયુકર્મનો ક્ષય થઈ ગયો હોય તો એના પ્રાણોનો વિયોગ થાય, અન્યથા ન થાય; પરંતુ એમાં તારું કાંઈ કર્તવ્ય નથી અર્થાત્ ત્યાં તું એને મારી કે જિવાડી શકતો નથી.
‘માટે જે એમ માને છે- અહંકાર કરે છે કે ‘હું પર જીવને મારું છું,’ તેનો તે અહંકારરૂપ અધ્યવસાય અજ્ઞાનમય છે. તે અધ્યવસાય જ હિંસા છે- પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણનો ઘાત છે, અને તે જ બંધનું કારણ છે. આ નિશ્ચયનયનો મત છે.
અહા! ‘હું પર જીવને મારી શકું છું’ એવો જે ભાવ તે પોતાના શુદ્ધ ચૈતન્યમય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવપ્રાણનો ઘાત છે. તેવી રીતે ‘હું પરને જિવાડી શકું છું’ એવો ભાવ પણ પોતાના શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવપ્રાણનો ઘાત છે. તે જ નિશ્ચયે બંધનું કારણ છે. હવે કહે છે -
‘અહીં વ્યવહારનયને ગૌણ કરીને કહ્યું છે એમ જાણવું.’ બીજાના મરણ-જીવનના પ્રસંગમાં આના મારવાના કે જિવાડવાના ભાવ નિમિત્ત હોય છે એમ જાણી વ્યવહારથી (આરોપ કરીને) એમ કહેવાય કે આણે આને માર્યો, આણે આને જિવાડયો. આવો વ્યવહારનય છે તે અહીં ગૌણ છે. માટે તે કથન કથંચિત્ (કોઈ અપેક્ષા પૂર્વક) છે એમ સમજવું, સર્વથા એકાંતપક્ષ તો મિથ્યાત્વ છે. એમ કે પર જીવ મરે ત્યાં પોતાને મારવાનો અધ્યવસાય તો હોય છતાં એમ કહે કે-મને બંધ નથી કેમ કે પરને કોઈ મારી શકે નહિ- તો આવો એકાંત પક્ષ મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ.....? પોતાને જે મારવાનો અધ્યવસાય છે તે નિયમથી બંધનનું કારણ છે.