૧૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. પહેલાં પોતાનો કેવળજ્ઞાનસ્વભાવ માન્યો નહોતો, કેવળજ્ઞાનનું સ્વરૂપ માન્યું નહોતું, તે પોતાનો શુદ્ધ સ્વપરપ્રકાશી એક જ્ઞાયકભાવ શ્રદ્ધાનમાં ને જ્ઞાનમાં આવ્યો ત્યાં ‘શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે’ એમ કહ્યું. કેવળજ્ઞાન તો ૧૩ મે ગુણસ્થાને થશે, આ તો સમકિતીનો આત્માનો કેવળજ્ઞાનસ્વભાવ પ્રતીતિમાં આવ્યો છે તો શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે એમ કહ્યું છે. હે ભાઈ! તું આવા કેવળજ્ઞાનસ્વભાવી આત્માની પ્રતીતિ કર ને!
અજ્ઞાની સર્વરૂપ પોતાને કરે છે એ હવે ગાથામાં આવશે. આ તો એનો ઉપોદ્ઘાત છે કે-એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય. એમ કહીને આચાર્ય એમ કહે છે કે-ભગવાન! તું પરમાં ક્યાં ગયો? સ્વરૂપની પ્રતીતિ કરીને તારા સર્વજ્ઞસ્વરૂપમાં રહે ને! સર્વને જાણનારા તારા સ્વભાવમાં સ્થિર થા ને!
અહાહા! જ્ઞાનની પર્યાય જે સ્વ-પરને જાણે છે એમાં ભવિષ્યની પર્યાય પણ જાણવામાં આવી જ જાય છે. ભવિષ્યમાં રાગ કરીશ એમ નહિ, પણ ભવિષ્યમાં રાગ થશે તેનું જે જ્ઞાન થશે તે જ્ઞાન જ્ઞાનીને આવી જાય છે, સર્વ જ્ઞાન આવી જાય છે. ‘ત્રણકાળ ત્રણલોકને જાણનારો હું,’ એવી વાસ્તવિક પ્રતીતિ એને આવી જાય છે. માણસને અભ્યાસ નહિ એટલે આ વાત ઝીણી પડે. ઓલા ઘડિયા ગોખ્યા હોય ને કે - ‘પડિક્કમામિ ભંતે ઇરિયાવહિયાએ, વિરાહણાએ...’ એટલે આ ઝીણું પડે, પણ શું થાય? સ્વરૂપને જાણ્યા વિના એ બધું થોથેથોથાં છે.
‘આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ભૂલ્યો થકો ચતુર્ગતિ-સંસારમાં જેટલી અવસ્થાઓ છે, જેટલા પદાર્થો છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે, પોતાના શુદ્ધ સ્વરૂપને નથી ઓળખતો.’
શું કીધું? અહાહા...! પોતાનું તો જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપ છે અને એણે સર્વના જ્ઞાતા- દ્રષ્ટાપણે રહેવું જોઈએ. પણ એને ઠેકાણે તે મિથ્યા અભિપ્રાયથી મોહિત થઈને ચતુર્ગતિ સંસારમાં જેટલી અવસ્થાઓ અને જેટલા પદાર્થો છે તે સર્વ મારાં છે એમ માને છે, સર્વરૂપ પોતાને કરે છે.
જોયું? જેટલી અવસ્થાઓ, છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે. એટલે કે ભવિષ્યની સર્વ અવસ્થાઓને જાણવાનું એમ સામર્થ્ય છે, અને તે જે જે અવસ્થાઓને જાણે છે તે સર્વરૂપ પોતાને કરે છે, અર્થાત્ તે સર્વ મારી છે એમ તે માને છે. અહા! આ દેહની, વાણીની, ઇન્દ્રિયની, રાગની, કર્મની ઇત્યાદિ સર્વની અવસ્થાઓને તે પોતાની માને છે.