Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2649 of 4199

 

સમયસાર ગાથા-૨૬૭ ] [ ૧૬૯

અહાહા...! પડખું ફેરવીને ગુલાંટ ખાય તો અંદર પોતાનું એક જ્ઞાયકસ્વરૂપ જણાય એમ છે. ‘પરનું કરનારો હું’ એમ પરના પડખેથી ખસીને હું તો સર્વને જાણનાર એક જ્ઞાયકસ્વભાવમાત્ર છું એમ સ્વના પડખે આવતાં ભગવાન નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ આત્મા જણાય છે. બસ પડખું ફેરવવાની જરૂર છે અર્થાત્ સ્વરૂપનો-સ્વનો આશ્રય લેવો જરૂરી છે. આ બધી વાત કહેવાનો આશય આ એક જ છે કે પરથી ખસીને સ્વનો આશ્રય કર. તેમ કર્યા વિના કેવળજ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની ને કેવળીની યર્થાથ પ્રતીતિ નહિ થાય. અહાહા...! સ્વનો આશ્રય કર્યા વિના પોતે ભગવાન સ્વ-પરપ્રકાશી જ્ઞાનસ્વરૂપ ત્રિકાળ છે એની પ્રતીતિ નહિ થાય.

અહાહા....! એનો સ્વભાવ તો અંદર એવો છે કે કાંઈપણ બાકી રાખ્યા વગર બધાયને જાણે, પણ એના બદલે એ પોતાના સ્વભાવને ભૂલીને કાંઈપણ બાકી રાખ્યા વગર બધીય પરવસ્તુ મારી છે એમ તે માને છે. સ્વનો પ્રકાશક અને પરનો પ્રકાશક - એવું એનું સ્વરૂપ છે. પણ આ પર બધું મારું છે એમ પરરૂપ પોતાને તે કરે છે તેથી સ્વરૂપનો અજાણ તે મહા મિથ્યાદ્રષ્ટિ દીર્ઘ સંસારી છે.

અહા! અજ્ઞાનીએ ગુલાંટ ખાધી છે પણ અનાદિથી ઊંધી ગુલાંટ ખાધી છે. રાગના વિકલ્પથી માંડીને કાંઈપણ બાકી રાખ્યા વગર જગતની બધી ચીજોને તે મારી છે એમ માન્યા વિના તે રહેતો નથી. અહા! બધાયને પૂર્ણ જાણવાનો જ પોતાનો સ્વભાવ-ધર્મ છે એમ યથાર્થ માનવાને બદલે એણે બધાયને કરવાનો પોતાનો ધર્મ છે એમ માન્યું છે. તેથી બધીય વસ્તુ મારી છે ને તેને કરી દઉં એમ તે માને છે. આ પ્રમાણે પરમાં રોકાઈ ગયેલો તે પોતાના શુદ્ધ-સ્વરૂપને ઓળખતો નથી. અરે! પર મારું ને પરનું હું કરું-એવા મિથ્યા અભિપ્રાયની આડમાં અંદર ચૈતન્યમૂર્તિ ચિદાનંદઘન પ્રભુ પોતે પડેલો છે તેને દેખતો નથી-ઓળખતો નથી.

[પ્રવચન નં. ૩૨૧ (શેષ) અને ૩૨૨ દિનાંક ૧૬-૨-૭૭ અને ૧૭-૨-૭૭]
×