સમયસાર ગાથા-ર૭૦ ] [ ૧૯૭ હું સુખી છું એમ માનીને એણે પોતાનું વાસ્તવિક આનંદમય જીવતર પરમાં ને રાગમાં રગદોળી નાખ્યું છે, હણી નાખ્યું છે.
જેમ બહારમાં બીજાનું જીવતર જેમ છે તેમ રાખે તો એનું જીવતર કહેવાય, એ જીવે છે એમ કહેવાય, તેમ અંદરમાં પોતે જેવો અખંડ એક જ્ઞાનાનંદસ્વરૂપ છે તેવો પોતાને માને અને અનુભવે ત્યારે પોતાનું જીવતર કહેવાય. અહા! આવી તારા ઘરની વાત કહીને સંતો તને જગાડે છે. અરે ભગવાન! તું ક્યાં સૂતો છું? આ પુણ્ય-પાપનાં ફળ બધાં મારાં એમ માનીને તું અજ્ઞાનમાં સૂતો છું પ્રભુ! જાગ રે જાગ નાથ! તું તો અખંડ એક જ્ઞાયકભાવસ્વભાવે છું તો સ્વરૂપમાં જાગ્રત થઈ તારા જીવતરની રક્ષા કર.
લ્યો, કોઈ ને થાય કે આવો ઉપદેશ! હવે કાંઈક દયા પાળવાનું ને દાન કરવાનું કહે તો સમજાય પણ ખરું.
અરે ભાઈ! હું દેહાદિથી ભિન્ન અખંડ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એમ પોતાને અંતરંગમાં જાણવો, માનવો ને અનુભવવો એ જ સાચું જીવન હોવાથી સાચી દયા છે અને એવું જીવતર પોતાને અર્પણ કરવું એ જ સાચું દાન છે. આ સિવાય બીજાની દયા પાળવી અને બીજાને દાન દેવું એ તો રાગ છે (જીવતર નહિ), અને તે મારું કર્તવ્ય છે એમ માને એ તો મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! ભગવાન! ત્રણલોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ અખંડ એક જ્ઞાયક- ભાવમાત્ર જ તું આત્મા છો, ને જ્ઞપ્તિ જ એક તારી ક્રિયા છે. ગજબ વાત છે ભાઈ! આ મુનિરાજને પંચમહાવ્રતના ને છકાયના જીવની રક્ષાના વિકલ્પ થાય એ કાંઈ આત્માની ક્રિયા નથી. આ શરીર હાલે ને વાણી નીકળે ને શાસ્ત્ર લખવાની ક્રિયા થાય એ કાંઈ એની ક્રિયા નથી; એ તો જડ માટી-ધૂળની ક્રિયા છે. ધર્મીને તો અંતરંગમાં જાણવા- દેખવારૂપ અને વીતરાગી આનંદરૂપ જે નિર્મળ પરિણતિ થાય તે એની ક્રિયા છે. અહા! કેવી સ્પષ્ટ ચોકખી વાત! કે જ્ઞપ્તિ જ એક એની ક્રિયા છે; મતલબ કે ભેગી બીજી રાગની (વ્રતાદિની) ક્રિયા એની છે એમ નહિ. અહો! આચાર્ય ભગવંતોએ જગતને ન્યાલ કરી દીધું છે. ભાઈ! આવી વાત બીજે ક્યાંય મળે એમ નથી.
અહા! ધર્મી સંત એને કહીએ કે જે જ્ઞાનમય વીતરાગ પરિણતિએ પરિણમ્યો હોય. જે રાગમય પરિણતિએ પરિણમે અથવા રાગની ને શરીરની ક્રિયા મારી છે એમ માને એ તો અધર્મી છે. ભાઈ! દયા, દાનના વિકલ્પો એ ધર્મીની ક્રિયા નહિ. ધર્મીને તો જ્ઞાયક જ એક ભાવ છે, ને જ્ઞપ્તિ જ એક ક્રિયા છે. અહા! જેનાં મહાભાગ્ય હોય તેને આવી ત્રિલોકનાથની વાણી કાને પડે; અને જે અંતરમાં હકાર લાવે તેની તો શી વાત! એની તો હાલત (-મોક્ષદશા) જ થઈ જાય. સમજાણું કાંઈ...?