૧૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અહા! ‘સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા...’ જોયું? આ ગુણની વાત લીધી. પહેલી જ્ઞપ્તિક્રિયા-ધર્મની ક્રિયા કહી એ પર્યાય લીધી, પછી એક જ્ઞાયકભાવમાત્ર દ્રવ્યની વાત લીધી અને આ ત્રીજો જ્ઞાનસ્વભાવ ગુણ લીધો. અહાહા...! ધર્મીને એક જ્ઞાયક જ પોતાનો ભાવ છે, એક જ્ઞપ્તિ જ પોતાની ક્રિયા છે અને એક જ્ઞાન જ પોતાનું રૂપ છે. શું કીધું? જ્ઞાનમાં અનંતા જ્ઞેય જણાય, પણ તે જ્ઞેય પોતાનું સ્વરૂપ નથી, પણ સર્વ જ્ઞેયોને જાણવાનો જેનો સ્વભાવ છે તે જ્ઞાન જ એનું રૂપ છે. જ્ઞાનમાં જ્ઞાનીને શુભરાગ જણાય તે શુભરાગ તેનો નથી પણ તે શુભરાગને જાણનારું જ્ઞાન જ એનું એક રૂપ છે. લ્યો, આવી વાત છે!
કોઈને એમ થાય કે આવો મારગ કયાંથી નવો કાઢયો? અરે ભાઈ! અનાદિનો આ જ મારગ છે. આ તો બે હજાર વર્ષ પહેલાનું આચાર્ય કુંદકુંદનું બનાવેલું શાસ્ત્ર છે અને એના પર હજાર વર્ષ પહેલાંની આચાર્ય અમૃતચંદ્રની ટીકા છે. બાપુ! આ તો અનંતા કેવળીઓના પેટની વાત છે; આમાં સોનગઢનું કાંઈ નથી ભાઈ! સોનગઢથી તો એનું સ્પષ્ટીકરણ થયું છે, બસ એટલું.
અહાહા...! કહે છે-જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, જ્ઞાયક જ એક જેનો ભાવ છે અને જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને (ધર્મી પુરુષો, મુનિવરો) જાણતા થકા, દેખતા (શ્રદ્ધતા) થકા અને અનુસરતા થકા સ્વરૂપમાં સ્થિર થાય છે. જુઓ, આ મોક્ષમાર્ગ અને આ ધર્મ! બાકી લુગડાં કાઢી નાખ્યાં, બાયડી છોડી દીધી ને શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું એટલે માને કે થઈ ગયો ધર્મ, તો એમાં ધૂળેય ધર્મ નથી, સાંભળને. આ શરીરથી બ્રહ્મચર્ય પાળે એ કાંઈ ધર્મ નથી. અંદર બ્રહ્મ નામ નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા સદા સચ્ચિદાનંદસ્વરૂપે વિરાજી રહ્યો છે તેમાં લીન થવું, તેમાં જ ચરવું એનું નામ બ્રહ્મચર્ય છે. બાપુ! બ્રહ્મચર્ય એ તો આત્માની રાગરહિત નિર્મળ વીતરાગી ક્રિયા છે અને એને ધર્મ કહ્યો છે. સમજાણું કાંઈ...?
પુણ્ય-પાપના ભાવ તો ભાઈ! મલિન-અસ્વચ્છ છે. શું કીધું? આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ મલિન અસ્વચ્છ છે; જ્યારે ભગવાન આત્મા એક ચૈતન્યમૂર્તિ પ્રભુ અત્યંત સ્વચ્છ છે. તથા તેના આશ્રયે ઉદયમાન નિર્મળ રત્નત્રયના-શ્રદ્ધાન-જ્ઞાનને રમણતાના પરિણામ પણ સ્વચ્છ છે. વળી તે સ્વચ્છંદ પણે ઉદયમાન છે. એટલે શું? કે આત્માની નિર્મળ વીતરાગ પરિણતિની દશા સ્વાધીનપણે પ્રગટ થઈ છે, પણ એમ નથી કે વ્યવહારરત્નત્રયના કારણે પ્રગટ થઈ છે. અહીં સ્વચ્છંદ એટલે નિરર્ગલ-એમ દોષરૂપ અર્થ નથી પણ સ્વચ્છંદ એટલે સ્વાધીન-એમ ગુણના અર્થમાં છે. અહાહા...! નિર્મળ રત્નત્રયની વીતરાગી પરિણતિ સ્વાધીનપણે ઉદયમાન છે. મતલબ કે નિર્મળ નિશ્ચય રત્નત્રયને વ્યવહારરત્નત્રયની-રાગની અપેક્ષા નથી. અહા! વસ્તુ આત્મા સ્વચ્છંદ