સમયસાર ગાથા-ર૭૧ ] [ ર૦૩
જેને અધ્યવસાન કહેવામાં આવ્યું છે તેને બરાબર ઓળખવા તેનાં બીજાં કેટલાંક પ્રચલિત નામો છે તે અહીં ગાથામાં કહે છે.
‘સ્વ-પરનો અવિવેક હોય (અર્થાત્ સ્વ-પરનું ભેદજ્ઞાન ન હોય) ત્યારે જીવની અધ્યવસિતિમાત્ર તે અધ્યવસાન છે;...’
‘જુઓ, શું કહ્યું? કે અનંતગુણનો પિંડ ચૈતન્યચિંતામણિ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ તે હું સ્વ એમ અનુભવવાને બદલે હું પરને મારું-જિવાડું દુઃખી-સુખી કરું ઈત્યાદિ માને, હું નારકી, હું મનુષ્ય ઈત્યાદિ માને અને ધર્માદિ પરદ્રવ્યો જણાય ત્યાં હું ધર્માદિ પરદ્રવ્યોને જાણું છું, જાણનારો તે હું સ્વ એમ નહિ, પણ પરદ્રવ્યોને હું જાણું છું એમ પરથી એકત્વબુદ્ધિ કરે તે સ્વ-પરનો અવિવેક છે. આવો સ્વ-પરનો અવિવેક હોય ત્યારે અર્થાત્ સ્વ-પરનું ભેદજ્ઞાન ન હોય ત્યારે જીવની અધ્યવસિતિમાત્ર અર્થાત્ જીવની પરમાં પોતાપણાની માન્યતા-અભિપ્રાય તે અધ્યવસાન છે. આવું અધ્યવસાન મિથ્યાત્વરૂપ છે અને તેને અહીં આઠ નામોથી ઓળખાવે છેઃ-
‘અને તે જ (અર્થાત્ જેને અધ્યવસાન કહ્યું તે જ) બોધનમાત્રપણાથી બુદ્ધિ છે, વ્યવસાનમાત્રપણાથી વ્યવસાય છે, મનનમાત્રપણાથી મતિ છે, વિજ્ઞપ્તિમાત્રપણાથી વિજ્ઞાન છે,...’
‘લ્યો, પર મારાં ને પરનું હું કરી શકું એમ જાણવામાત્રપણાથી અધ્યવસાનને બુદ્ધિ પણ કહે છે. વ્યવસાય એટલે આખો દિ’ કામમાં-પ્રવૃત્તિમાં લાગ્યો રહે-આ બાયડી-છોકરાનું કરું, ને ધંધો કરું, ને કારખાનું ચલાવું, ને દેશનું કરું-એમ પરમાં ઉદ્યમી થઈ લાગ્યો રહે તે વ્યવસાય બધો મિથ્યા અધ્યવસાય છે. આ બધું પરનું કોણ કરે બાપુ! તને ખબર નથી ભાઈ! તું તો એક જ્ઞાનાનંદસ્વરૂપ છો ને પ્રભુ! પરને માટે તું પાંગળો છે ને! એને બદલે પરમાં ઉદ્યમી થઈને આ કરું ને તે કરું એમ કર્યા કરે છે એ ઊંધો વ્યવસાય છે.
વ્યવસાય એટલે વ્યાપાર-પ્રવૃત્તિ, કેટલાક લોકો નથી કહેતા? કે હમણાં અમને ઘણો વ્યવસાય વધી ગયો છે, વ્યવસાય આડે નવરાશ નથી. કોઈ તો વળી કહે છે- મરવાય નવરાશ નથી. અરે ભાઈ! મરણ તો જોતજોતામાં આવી પડશે અને ત્યારે જેમાં તને વ્યવસાય આડે નવરાશ નથી એ બધું પડયું રહેશે. (તારે હાથ એમાંનું કાંઈ નહિ હોય). આ જોતા નથી પચીસ-પચીસ વરસના ફુટડા જુવાન-જોધ ચાલ્યા જાય છે? બાપુ! આ તારો વ્યવસાય બધો વિપરીત છે.
એને મનનમાત્રપણાથી મતિ કહે છે. પદાર્થોને વિપરીત જાણે-માને છે ને! તેથી