સમયસાર ગાથા-ર૭૧ ] [ ર૦પ
જુઓ, આ આગળની ગાથાનો ઉપોદ્ઘાત કરે છે. કહે છે-સર્વ વસ્તુઓમાં એટલે પોતાના આત્મા સિવાય વિશ્વની અનંતી પરવસ્તુઓમાં જે એકત્વબુદ્ધિ-અધ્યવસાન થાય છે તે સઘળાંય જિન ભગવાનોએ-વીતરાગ સર્વજ્ઞદેવોએ ત્યાગવાયોગ્ય કહ્યાં છે. અહાહા...! પરવસ્તુ ચાહે શરીરાદિ પરમાણુરૂપ હો, સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ હો, દેવ- ગુરુ-શાસ્ત્ર હો, સાક્ષાત્ અરિહંત પરમાત્મા હો; તે મારાં છે અને હું એનો છું એવો એકત્વબુદ્ધિનો અધ્યવસાય સઘળોય ભગવાન જિનેશ્વરદેવે છોડાવ્યો છે. ખૂબ ગંભીર કળશ છે ભાઈ! આમાં તો જૈનદર્શનનો મર્મ ભર્યો છે.
એક કોર પોતે શુદ્ધ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ સ્વ અને બીજી કોર વિશ્વની સમસ્ત વસ્તુઓ પર લીધી. અહાહા...! જગતની આ સર્વ વસ્તુ પ્રત્યેક ભિન્ન-ભિન્ન છે. તેમાં (અજ્ઞાનીને) એકત્વબુદ્ધિનો જે અધ્યવસાય છે તે બધોય છોડવાયોગ્ય છે એમ જિન ભગવંતોએ કહ્યું છે.
આ દેહ, મન, વાણી ઈત્યાદિ જડ માટી-ધૂળ છે, અને સ્ત્રી-પુત્ર-પરિવાર, દેવ- ગુરુ આદિ ભિન્ન પર જીવ છે, તથા ધર્માસ્તિકાય આદિ અચેતન પરદ્રવ્યો છે. તેમાં પોતાપણાનો અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે; કેમકે પોતાપણું તો પોતાનામાં હોય કે પરમાં હોય? પરમાં પોતાપણું કદીય હોઈ શકે નહિ.
અહા! સર્વજ્ઞ પરમાત્મા ઇન્દ્રો, મુનિવરો ને ગણધરોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં એમ ફરમાવતા હતા કે-પોતાના આત્મા સિવાય જેટલા કોઈ પદાર્થો છે-તેમાં હું (- અરિહંત) પણ આવી ગયો-તેમાં અધ્યવસાન કરે કે આ મારા છે અને એનાથી મને લાભ છે, હું એનું કાંઈ કરી શકું ને એ મારું કાંઈ કરી શકે-એ અધ્યવસાન ચારગતિમાં રખડવાના બીજરૂપ મિથ્યાત્વ છે અને તે સર્વ છોડવાયોગ્ય છે.
હવે કહે છે- ‘तत्’ તેથી ‘मन्ये’ અમે એમ માનીએ છીએ કે ‘अन्य–आश्रयः व्यवहारः एव निखिलः अपि त्याजितः’ પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.
અહાહા...! સંત ધર્માત્મા પ્રચુર અતીન્દ્રિય આનંદસહિત સ્વરૂપમાં કેલિ કરનારા મુનિવર ભગવાન આચાર્ય એમ કહે છે કે- જ્યારે ભગવાને પર વસ્તુઓમાં એકત્વબુદ્ધિના સર્વ અધ્યવસાયો છોડાવ્યા છે તો અમે સંતો એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. જોયું? ‘આશ્રય’ શબ્દ અહીં મૂક્યો છે ચોખ્ખો. પરનો-વ્યવહારનો આશ્રય કહો, સંબંધ કહો કે પરનું-વ્યવહારનું આલંબન કહો- બધું એક જ છે. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ-એ સર્વ પરાશ્રિત વ્યવહાર છે. એ પરિણામમાં પરનો આશ્રય- સંબંધ છે ને? એમાં સ્વનો સંબંધ નથી. તો અહીં કહે છે-એ સઘળોય પરાશ્રિત