ર૧ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અસંખ્યાત લોકપ્રમાણ જેટલા વ્યવહારભાવ છે તેટલા મિથ્યાત્વભાવ છે, કેમકે વ્યવહાર છે તે મારો છે, એથી મને લાભ છે, એ ભલો છે એમ રાગથી એમાં એકત્વ છે ને? અહાહા...! આ વ્યવહાર ભલો છે એવી માન્યતામાં દયા, દાન આદિ જેટલા વિકલ્પ ઊઠે તેટલા મિથ્યાત્વભાવ છે. ગજબ વાત છે ભાઈ! આ તો કેવળી-સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વાત છે.
જેને મિથ્યાત્વ ગયું અને સમ્યગ્દર્શન થયું તે જીવ નિશ્ચયસ્વરૂપમાં લીન હોવાથી વ્યવહારથી મુક્ત છે અર્થાત્ તેને વ્યવહારની રુચિ નથી.
તે જીવ વ્યવહારને છોડીને નિર્વિકલ્પ અર્થાત્ એક નિશ્ચયને જ નિરુપાધિ અર્થાત્ નિષ્કંપપણે અંગીકાર કરીને આત્મસ્વરૂપમાં સમાધિ સાધી અર્થાત્ સ્થિરતા કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં લાગી જાય છે. આવો જીવ પરમ એવી શુદ્ધોપયોગદશામાં પરમ ધ્યાનની દશામાં સ્થિર થઈને નિર્વાણપદને પામે છે, રાગમાં- વ્યવહારમાં રોકાતો નથી. આવી વાતુ બાપા!
જુઓ, આમાં મિથ્યાત્વભાવ ને વ્યવહારભાવ એક છે એમ કહ્યું છે, કેમકે એને વ્યવહારની રુચિ છે ને? વ્યવહાર ભલો છે એવી માન્યતામાં વ્યવહારના જેટલા ભાવ છે તે મિથ્યાત્વરૂપ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! આત્મા શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ અંદર એકલા આનંદનું દળ છે. જેમ સક્કરકંદ, ઉપરની લાલ છાલને છોડીને, અંદર એકલી મીઠાશનો-સાકરનો પિંડ છે તેમ ભગવાન આત્મા, બહારની વ્યવહારના વિકલ્પરૂપ છાલને છોડીને, અંદર એકલો ચિદાનંદનો કંદ છે. અહીં કહે છે-આવા ચિદાનંદઘનસ્વરૂપ નિજ મહિમામાં સત્પુરુષોધર્મી પુરુષો સ્થિરતા કેમ ધરતા નથી? આમ આશ્ચર્ય પ્રગટ કરીને આચાર્યદેવ પ્રેરણા કરે છે કે ધર્મી જીવોએ નિષ્કંપપણે નિશ્ચયસ્વરૂપને અંગીકાર કરીને તત્કાલ તેમાં જ ઠરીઠામ સ્થિર થઈ જવું જોઈએ. અહાહા...! આચાર્ય કહે છે- અંદર નિષ્કંપ નિરુપાધિ આનંદનો નાથ પડયો છે ને પ્રભુ! તેમાં જ લીન થઈ જા ને; આ વ્યવહારમાં કંપ-વામાં શું છે? આમ સત્પુરુષોને નિષ્પ્રમાદી રહેવાની પ્રેરણા કરી છે.
‘જિનેશ્વરદેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે તેથી આ પરાશ્રિત વ્યવહાર જ બધોય છોડાવ્યો છે એમ જાણવું.’
શું કહે છે? કે દેવાધિદેવ સર્વજ્ઞ પરમેશ્વરે પુદ્ગલ પરમાણુ ને અન્ય જીવથી માંડીને વિશ્વમાં જેટલા કોઈ અનંતા પર પદાર્થ છે તે હું છું, તે મારા છે અને તેનાથી મને લાભ છે એવાં પરમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે. કેમ?