Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2693 of 4199

 

સમયસાર ગાથા-ર૭૧ ] [ ર૧૩ કેમકે તે પરવસ્તુ કાંઈ પોતે આત્મા નથી. આ શરીર કાંઈ આત્મા નથી અને સ્ત્રી-પુત્રાદિ કાંઈ આ આત્મા (-પોતે) નથી. ભાઈ! પરમાં આત્મબુદ્ધિ કરવી એ મિથ્યાત્વ-ભાવ સંસારની-દુઃખની પરંપરાનું કારણ છે.

અહીં વિશેષ એમ કહે છે કે ભગવાને પરમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે તેથી પરાશ્રિત વ્યવહાર જ સઘળો છોડાવ્યો છે એમ જાણવું. લ્યો, આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઈત્યાદિ વ્યવહારના સર્વ વિકલ્પ ભગવાને છોડાવ્યા છે એમ કહે છે; કેમકે એમાં આત્મા નથી. લોકોને આ ખટકે છે પણ ભાઈ! વ્યવહારરત્નત્રયના એ સઘળા પરિણામ પરાશ્રિત ભાવ છે, દુઃખરૂપ છે. અહીં તો આ ચોકખી વાત છે કે પરાશ્રિત ભાવ સઘળાય છોડીને સ્વ-આશ્રય કર; શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ પોતે આત્મા છે તેનો આશ્રય કરી તેમાં સ્થિર થા; આ એક જ સુખનો ઉપાય છે. અહા! રાગ-પરાશ્રિતભાવ ચાહે એકત્વબુદ્ધિનો હો કે અસ્થિરતાનો હો-એ સઘળોય પરભાવ છોડવાયોગ્ય જ છે, તેમાં આત્મબુદ્ધિ કરવી તે મિથ્યાત્વભાવ છે. હવે કહે છેઃ-

‘માટે શુદ્ધજ્ઞાનસ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા રાખો-એવો શુદ્ધનિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. !

અહા! પોતે શુદ્ધ જ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ આત્મા છે. તે એકના જ આશ્રયે તેમાં જ સ્થિરતા કરીને શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને ગ્રહણ કર-એમ શુદ્ધનિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્યદેવે કર્યો છે.

લ્યો, આ રીતે ઉપદેશ છે, છતાં કોઈ લોકો વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ પ્રરૂપણા કરે છે. પણ બાપુ! એ વ્યવહાર તો સઘળોય અહીં છોડવાયોગ્ય કહ્યો છે કેમકે એનાથી નિશ્ચય થાય જ નહિ; ઉલટું એની રુચિ બંધનું-સંસારનું જ કારણ બને છે. ભાઈ! પરના લક્ષે થતા ભાવમાંથી કદીય સ્વનું લક્ષ- આશ્રય ન થાય. એટલે તો પરાશ્રિત વ્યવહાર સઘળો છોડાવ્યો છે. હવે આ મોટી અત્યારે લોકોને તકરાર છે, પણ ભાઈ! માંડ મનુષ્યપણું મળ્‌યું, અને ધર્મ પામવાનો અવસર આવ્યો ત્યારે વિવાદમાં રહીશ તો ધર્મ ક્યારે પામીશ? સ્વનો આશ્રય કરવો બસ એ એક જ સુખી થવાનો ધર્મનો પંથ છે. સમજાણું કાંઈ...?

એ તો આગળ ગાથાઓમાં આવે છે કે- જો વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય તો અભવ્ય પણ જિનવરે કહેલો પરાશ્રિત વ્યવહાર-વ્રત, સમિતિ, ગુપ્તિ, તપ, શીલ ઈત્યાદિ-પરિપૂર્ણ અખંડપણે પાળે છે અને તેથી તેનો મોક્ષ થવો જોઈએ; પણ એનો મોક્ષ કદીય થતો નથી. બહુ આકરી વાત ભાઈ!

ત્યારે એ લોકો એમ કહે છે કે-એ તો અભવ્યની વાત છે. અરે ભાઈ! એ તો દ્રષ્ટાંત અભવ્યનું છે; બાકી આમાં ક્યાં અભવિની વાત છે?