Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2708 of 4199

 

૨૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ કહે છે-નિશ્ચયનો આશ્રય કરનારા કોઈ મુનિવરો જ મુક્તિને પામે છે, પણ વ્યવહારમાં ગૂંચવાયેલાઓ-મુગ્ધ થયેલાઓ મુક્તિને પામતા નથી.

ત્યારે કોઈ (અજ્ઞાની) કહે છે-આ તો એકાંત થઈ ગયું. એમ કે કથંચિત્ નિશ્ચયથી ને કથંચિત્ વ્યવહારથી મોક્ષ થાય એમ અનેકાંત કરવું જોઈએ.

બાપુ! એમ અનેકાન્ત છે જ નહિ, એ તો એકાંત છે વા મિથ્યા અનેકાન્ત છે. સ્વ-આશ્રયે મુક્તિ થાય ને પર-આશ્રયે ન થાય એ સમ્યક્ અનેકાંત છે. સમજાણું કાંઈ...? એ જ કહે છે કે-

આત્માશ્રિત નિશ્ચયનો આશ્રય કરનારાઓ જ મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંતે નહિ મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. અભવ્ય પણ ભગવાન જિનેશ્વરે કહેલાં વ્રત, શીલ, તપ, સમિતિ, ગુપ્તિ ઇત્યાદિ અનંતવાર નિરતિચારપણે પાળે છે, પણ એની કદીય મુક્તિ થતી નથી. જો વ્યવહારના આચરણથી ધર્મનો લાભ થાય તો અભવ્યનો મોક્ષ થવો જોઈએ, પણ એમ છે નહિ. માટે હે ભાઈ! પરાશ્રયની બુદ્ધિ છોડી એક સ્વ-સ્વરૂપનો આશ્રય કર. એક સ્વના જ આશ્રયે મુક્તિ થાય છે. મુક્તિના માર્ગને પરની-નિમિત્ત કે વ્યવહારની કોઈ અપેક્ષા નથી. અહો! મુક્તિનો માર્ગ પરમ નિરપેક્ષ છે. વ્યવહાર હોય ખરો પણ એની મુક્તિના માર્ગમાં અપેક્ષા નથી. લ્યો, આવી વાત છે!

* ગાથા ૨૭૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય આત્માશ્રિત છે.’

જુઓ, આ વ્યવહાર-નિશ્ચયનયની વ્યાખ્યા કહે છે. આત્માને પરના નિમિત્તે જે અનેક પ્રકારના વિભાવ ભાવો થાય છે એ બધા વ્યવહારનયના વિષય છે, માટે વ્યવહારનય પરાશ્રિત છે. ભાઈ! એક સ્વના આશ્રય વિના જેટલા પરદ્રવ્યની એકતાબુદ્ધિના અને પરના આશ્રયે થતા ભાવો છે તે સઘળાય વ્યવહારનયનો વિષય છે.

પ્રશ્નઃ– એ જ્ઞાનીને પણ હોય છે ને? ઉત્તરઃ– હોય છે ને; પણ જ્ઞાનીને એનો (-વ્યવહારનો) આશ્રય નથી; જ્ઞાનીને એનું જ્ઞાન છે. અહીં તો આશ્રય છે એની વાત ચાલે છે. સમજાણું કાંઈ...?

વ્યવહારનય પરને આશ્રયે છે ને નિશ્ચયનય સ્વ નામ ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે છે. સ્વના આશ્રયે જે નિર્મળ દ્રષ્ટિ-જ્ઞાન થયાં તે મોક્ષનું કારણ છે અને પરના આશ્રયે થયેલો વ્યવહાર બધોય બંધનું-સંસારનું કારણ છે.