સમયસાર ગાથા-૨૭૨ ] [ ૨૨૯
વ્યવહારનય પરાશ્રિત છે, ને નિશ્ચયનય સ્વ-આશ્રિત છે-આ સિદ્ધાંત કહ્યો. કહે છે-
‘જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ...’ જોયું? જે ત્રિકાળી ધ્રુવ એક ચિન્માત્ર ભાવ જેને છઠ્ઠી ગાથામાં એક જ્ઞાયકભાવ કહ્યો ને અગિયારમી ગાથામાં ‘ભૂતાર્થ’ કહ્યો તે જ એક પોતાનું સ્વ છે. અને તે જ એક નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય સ્વાશ્રિત છે, આત્માશ્રિત છે. ઝીણી વાત બાપુ! લોકોને સત્યાર્થ જે એક આત્મા તેને પહોંચવું કઠણ લાગે એટલે અનેકભાવરૂપ વ્યવહારને ચોંટી પડે પણ ભાઈ! વ્યવહાર પરાશ્રિત છે ને બંધનું કારણ હોવાથી બંધમાર્ગરૂપ છે.
‘અધ્યવસાન પણ વ્યવહારનયનો જ વિષય છે તેથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહારનયનો જ ત્યાગ છે, અને પહેલાંની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે તે વ્યવહારનયના જ ત્યાગનો ઉપદેશ છે.’
જુઓ, પરદ્રવ્યની ક્રિયા હું કરું, બીજાને મારું-જિવાડું, દુઃખી-સુખી કરું, બીજાને બંધાવું-મુક્ત કરું ઇત્યાદિ જે અભિપ્રાય છે તે અધ્યવસાન છે. અધ્યવસાન એટલે પર સાથે એકત્વબુદ્ધિવાળી માન્યતા. આવું અધ્યવસાન એ વ્યવહારનયનો વિષય છે, અને અધ્યવસાનનો ત્યાગ કરાવ્યો તેમાં પરાશ્રિત જે વ્યવહાર છે તેનો જ ત્યાગ કરાવ્યો છે. પરમાં એકત્વબુદ્ધિરૂપ મિથ્યાભાવને છોડાવતાં પરાશ્રિત સઘળા વ્યવહારને જ છોડાવ્યો છે, અર્થાત્ પરની એકતાબુદ્ધિ છોડાવવાની સાથે પરની એકતાબુદ્ધિ વિના પરને આશ્રયે થતો સઘળો વ્રત, તપ, નિયમ આદિ વ્યવહાર જ છોડાવ્યો છે. આવો મારગ છે ભાઈ!
‘આ પ્રમાણે નિશ્ચયનયને પ્રધાન કરીને વ્યવહારનયના ત્યાગનો ઉપદેશ કર્યો છે તેનું કારણ એ છે કે-જેઓ નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે અને જેઓ એકાંતે વ્યવહારનયના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી.’
જોયું? આ મૂળ વાત કહી. જેઓ નિશ્ચય નામ ત્રિકાળી એક જ્ઞાયકભાવ- સ્વભાવભાવના આશ્રયે વર્તે છે તેઓ ધર્મને પ્રાપ્ત થઈ મુક્તિ પામે છે અને જેઓ વ્રત, તપ, ભક્તિ આદિ રાગના આશ્રયે જ પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી. રાગના- વ્યવહારના આશ્રયે પ્રવર્તવું એ તો બંધમાર્ગ-સંસારમાર્ગ છે. માટે હે ભાઈ! વ્યવહારના આશ્રયની ભાવના છોડ ને સ્વરૂપનો-સ્વનો આશ્રય કર-એમ ઉપદેશ છે.
[પ્રવચન નં. ૩૨૭ થી ૩૨૯ *દિનાંક ૨૧-૨-૭૭ થી ૨૪-૨-૭૭]