Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2717 of 4199

 

સમયસાર ગાથા-૨૭૩ ] [ ૨૩૭ (બાહ્ય શુદ્ધિ માટે), મોરપીંછી (જીવ-જંતુની જતના માટે), અને શાસ્ત્ર (સ્વાધ્યાય માટે) એ ત્રણ સંયમનાં ઉપકરણ હોય છે; આ સિવાય મુનિને કાંઈ ન હોય. વળી તે આત્મજ્ઞાનસહિત વર્તે, અને એનો બાહ્ય વ્યવહાર પણ ભગવાને કહ્યો છે તેવો જ હોય. અહીં કહે છે-આત્મજ્ઞાન વિના અભવ્ય જીવે અનંતવાર ભગવાને કહેલો વ્યવહાર પાળ્‌યો, પણ એથી શું લાભ? માત્ર સંસાર જ ફળ્‌યો; પરિભ્રમણ ઊભું જ રહ્યું.

ઉત્સર્ગસમિતિમાં પણ તે જીવ-જંતુરહિત જગ્યાએ મળ (વિષ્ટા), મૂત્ર વગેરેને નાખે, અને તે પણ પ્રમાદરહિત સાવધાનીપૂર્વક. અહા! એકેન્દ્રિયાદિ કોઈપણ જીવને બાધા-પીડા ન પહોંચે એ રીતે એણે મળ આદિનો ત્યાગ અનંતવાર કર્યો, ઉત્સર્ગસમિતિનું અનંતવાર યથાવત્ પાલન કર્યું, પણ એ બધી શુભની ક્રિયાઓ એને શું લાભ કરે? માત્ર સંસારનો જ લાભ કરે.

આ પ્રમાણે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું સાવધાની ભર્યું આચરણ અભવ્યને પણ હોય છે, પણ એને ધર્મ થતો નથી.

અહા! આચાર્યદેવ પોકાર કરી કહે છે કે-અભવ્ય પણ અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર પાળે છે પણ એને કોઈ દિ’ અનંત ભવમાંથી એક પણ ભવ ઘટતો નથી. તું કહે છે-એનાથી મને ધર્મ થઈ જાય; પણ એ કેમ બને ભાઈ? મહાવ્રતાદિ સઘળી વ્યવહારની ક્રિયાઓ અનાત્મરૂપ છે, એનાથી આત્મરૂપ ધર્મની પ્રાપ્તિ કેમ થાય? કદી ન થાય. જુઓ, શું કહે છે? કે-

‘અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે; તોપણ તે (અભવ્ય) નિશ્ચારિત્ર (-ચારિત્રરહિત); અજ્ઞાની ને મિથ્યાદ્રષ્ટિ જ છે કારણ કે તે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન-શ્રદ્ધાનથી શૂન્ય છે.’

અભવ્ય જીવ ભગવાને કહેલું વ્યવહારચારિત્ર અનેક વાર પાળે છે તોય તે ચારિત્રરહિત, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ જ છે એમ કહે છે.

પણ લોકો કહે છે-મહાવ્રત તો ચારિત્ર છે ને?

બાપુ! તને ખબર નથી ભાઈ! કે ચારિત્ર શું ચીજ છે? એ મહાવ્રતાદિના પરિણામ તો વિકલ્પ છે, શુભરાગ છે. કોઈ જીવને મારવો નહિ; જૂઠું ન બોલવું, સત્ય બોલવું, દીધા વગર કોઈનું કાંઈ લેવું નહિ, બહ્મચર્ય પાળવું-સ્ત્રીનો સંગ ન કરવો અને વસ્ત્ર-પાત્ર આદિ ન રાખવાં-એવો તને જે વિકલ્પ છે એ તો શુભરાગ છે ભાઈ! એ કાંઈ ચારિત્ર નથી. ચારિત્ર તો સ્વરૂપમાં રમણતારૂપ પરમ આનંદરૂપ વીતરાગી આત્મ-પરિણામ છે, અને તે આત્માનાં સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાન સહિત હોય છે.