સમયસાર ગાથા-૨૭પ ] [ ૨૬૩ પક્ષનો સૂક્ષ્મ, કેવળીગમ્ય આશય રહી જાય છે કે જે છદ્મસ્થને અનુભવગોચર નથી પણ હોતો, માત્ર સર્વજ્ઞદેવ જાણે છે.’
જોયું? અભવિને વ્યવહારનયના પક્ષનો સૂક્ષ્મ આશય રહી જાય છે જે છદ્મસ્થને અનુભવગોચર નથી પણ હોતો.’ ‘નથી જ’ હોતો એમ નહિ, પણ કોઈ સૂક્ષ્મ લક્ષવાળાને હોય પણ છે એમ કહેવું છે. સૂક્ષ્મ લક્ષ ન પહોંચે તો અનુભવમાં ન આવે એટલે એ કેવળીગમ્ય સૂક્ષ્મ છે એમ કહ્યું. સમજાણું કાંઈ...?
‘માત્ર સર્વજ્ઞદેવ જાણે છે’ -એટલે ભગવાન સર્વજ્ઞ વિશેષ સ્પષ્ટ જાણે છે. પંચાધ્યાયીમાં એમ લીધું છે કે-સમ્યગ્દર્શનને ભગવાન કેવળી જાણી શકે છે. ત્યાં તો એ અવધિ, મનઃપર્યય કે મતિજ્ઞાનનો વિષય નથી એમ કહેવું છે. અહીં વેદનની અપેક્ષાએ વાત છે. અનુભૂતિની સાથે અવિનાભાવી સમકિત હોય છે તો અનુભૂતિની સાથે સમકિતનું જ્ઞાન પણ થાય, સમકિતને એ બરાબર જાણી શકે. અનુભૂતિ એ જ્ઞાનનું- વેદનનું સ્વરૂપ છે અને સમકિત શ્રદ્ધાનનું. બેયને અવિનાભાવી ગણતાં અનુભૂતિથી સમકિતનો નિર્ણય બરાબર થઈ શકે. અનુભૂતિ વિના સીધું સમકિતને જાણી શકે એમ નહિ-પંચાધ્યાયીકારનું એમ કહેવું છે. પણ અનુભૂતિમાં સમકિતને ન જાણી શકાય એમેય નહિ. આવી વાત છે!
હવે કહે છે- ‘એ રીતે કેવળ વ્યવહારનો પક્ષ રહેવાથી તેને સર્વથા એકાંતરૂપ મિથ્યાત્વ રહે છે. અભવ્યને આ વ્યવહારનયના પક્ષનો આશય કદી પણ મટતો જ નથી.’
જોયું? વ્યવહાર હોય એ જુદી વાત છે, અને વ્યવહારનો પક્ષ હોય એ જુદી વાત છે. વ્યવહાર તો જ્ઞાનીને-મુનિરાજને પણ હોય છે, પણ એનો પક્ષ એને કદીય હોતો નથી. વ્યવહારનો પક્ષ હોય એ તો ભાઈ! સર્વથા એકાંતરૂપ મિથ્યાત્વ છે. જોયું? વ્યવહારથી ધર્મ થાય એમ માને એ સર્વથા એકાંત મિથ્યાત્વ છે. એમ કહે છે. અભવિને આ વ્યવહારનયનો પક્ષ કદીય મટતો નથી તેથી, સંસારનું પરિભ્રમણ સદા ઊભું જ રહે છે. ભાઈ! જ્યાં સુધી વ્યવહારનો પક્ષ છે ત્યાં સુધી સંસાર ઊભો જ રહે છે. આવી વ્યાખ્યા!
અહા! મારગને જાણીને સ્વરૂપનું લક્ષ ન કરે તો ચોર્યાસીના અવતારમાં કષાયની અગ્નિમાં બળી રહેલો એ દુઃખી છે. ભગવાન! આ સંયોગની ચમકમાં તું ભૂલી ગયો છે પણ જેમ દાંત કાઢે તોય સનેપાતીઓ અંદર દુઃખી છે તેમ અંદરમાં તું મિથ્યા શ્રદ્ધાન- જ્ઞાન-આચરણ એ ત્રણેના ત્રિદોષના સન્નિપાતરૂપ રોગથી પીડાઈ રહેલો દુઃખી જ છે. અહા! જ્યાં સુધી આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ ન આવે ત્યાં સુધી આ બધા શેઠિયા, રાજાઓ ને દેવો સૌ દુઃખી જ છે. લ્યો, આવી વાત છે.