Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2745 of 4199

 

સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ] [ ૨૬પ

ટીકાઃ– આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે કારણ કે તે (શબ્દશ્રુત) જ્ઞાનનો આશ્રય છે, જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે (નવ પદાર્થો) દર્શનનો આશ્રય છે, અને છ જીવ-નિકાય ચારિત્ર છે કારણ કે તે (છ જીવ-નિકાય) ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે વ્યવહાર છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે (શુદ્ધ આત્મા) જ્ઞાનનો આશ્રય છે, શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, અને શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે નિશ્ચય છે. તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત્ નિષેધ્ય છે, કારણ કે આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક છે- વ્યભિચારયુક્ત છે; (શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રયસ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે કેમ કે શબ્દશ્રુત આદિ હોવા છતાં જ્ઞાન આદિ નથી પણ હોતાં, માટે વ્યવહારનય પ્રતિષેધ્ય છે;) અને નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે. (શુદ્ધ આત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી કેમ કે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે.) આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છેઃ-

આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણ કે તેના (અર્થાત્ શબ્દશ્રુતના) સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે; જીવ આદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે; છ જીવ નિકાય ચારિત્રનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુતના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે; શુદ્ધ આત્મા જ દર્શનનો આશ્રય છે, કારણ કે જીવ આદિ નવ પદાર્થોનાં સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ દર્શનનો સદ્ભાવ છે; શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે, કારણ કે છ જીવ-નિકાયના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ ચારિત્રનો સદ્ભાવ છે.

ભાવાર્થઃ– આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તથા છ કાયના જીવોની રક્ષા-એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતાં, તેથી વ્યવહારનય તો નિષેધ્ય છે; અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. માટે શુદ્ધનય ઉપાદેય કહ્યો છે.

હવે આગળના કથનની સૂચનાનું કાવ્ય કહે છેઃ-