સમયસાર ગાથા ર૭૮-ર૭૯ ] [ ૨૯૯ નિમિત્તમાત્ર છે. નિમિત્ત છે, પણ નિમિત્ત એમાં કાંઈ કરે છે એમ નથી. જો નિમિત્ત પરને કરે તો નિમિત્ત ને બીજી ચીજ બન્ને એક થઈ જાય. સમજાણું કાંઈ...?
આ પ્રમાણે આત્મા (પોતાની તત્કાલીન યોગ્યતાથી) પર્યાયમાં રાગાદિરૂપે પરના સંગે-નિમિત્તે પરિણમે છે-એવો વસ્તુનો સ્વભાવ છે. કેટલાક કહે છે એમ પરને લઈને વિકાર થાય છે એવો વસ્તુનો સ્વભાવ નથી.
જુઓ, પહેલાં દાખલો આપીને આત્માને વિકાર કેમ થાય એ વાત સિદ્ધ કરે છેઃ શું કહે છે? કે- ‘સ્ફટિકમણિ પોતે તો કેવળ એકાકારશુદ્ધ જ છે; તે પરિણમન- સ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે લાલાશ-આદિરૂપે પરિણમતો નથી પરંતુ લાલ આદિ પરદ્રવ્યના નિમિત્તે લાલાશ-આદિરૂપે પરિણમે છે.’
જુઓ, સ્ફટિકમણિ પોતે સ્વભાવથી શુદ્ધ જ છે. તેથી તે એકલો પોતાની મેળે લાલાશ-આદિરૂપે કદી પરિણમતો નથી. પરંતુ જોડે લાલ કે પીળાં ફૂલ હોય તો તેમના નિમિત્તે લાલ કે પીળી ઝાંયપણે પરિણમે છે. ત્યાં સ્ફટિકમણિ પોતાની વર્તમાન એવી યોગ્યતાને લઈને લાલ કે પીળી ઝાંયપણે પરિણમે છે, લાલ કે પીળાં ફૂલ તો એમાં નિમિત્તમાત્ર છે. જ્યારે, સ્ફટિકમણિ પોતે પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી લાલ આદિ ઝાંયપણે પરિણમે ત્યારે પરદ્રવ્ય-લાલ આદિ ફૂલ તેમાં નિયમથી નિમિત્ત હોય છે, આ દ્રષ્ટાંત છે. હવે કહે છે-
‘તેવી રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે; તે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી પરંતુ રાગાદિરૂપ પરદ્રવ્યના નિમિત્તે રાગાદિરૂપે પરિણમે છે. આવો વસ્તુનો જ સ્વભાવ છે. તેમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી.’
અહાહા...! આત્મા સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ શુદ્ધ શાશ્વત છે. તે એકલો પોતાની મેળે રાગાદિ વિકારપણે પરિણમે એમ કદીય બની શકે નહિ. આત્મામાં એવો કોઈ સ્વભાવ-ગુણ-શક્તિ નથી કે જેને લઈને વિકાર થાય. પરંતુ પરદ્રવ્ય-જડ કર્મનો ઉદય-જે સ્વયં રાગાદિપણે પરિણમે છે તેના નિમિત્તે જીવ રાગાદિરૂપે પરિણમે છે. હવે આમાં બધાને વાંધા છે-એમ કે વિકાર આત્મામાં થાય છે એ કર્મને લઈને થાય છે, અન્યથા આત્મા તો શુદ્ધ જ છે. એને અશુદ્ધતા છે એ પરદ્રવ્ય-કર્મને લઈને છે.
એ તો કહ્યું ને? કે લાકડા જોડે લાલ ફૂલ મૂકો તો લાકડામાં લાલ થશે? ના; કેમકે લાકડામાં એવી યોગ્યતા નથી. પણ સ્ફટિકમણિ જોડે લાલ ફૂલ મૂકો તો એમાં લાલ થશે. જો લાલ ફૂલના કારણે લાલ થતું હોય તો લાકડામાં પણ લાલ થવું જોઈએ,