૩૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પર્યાયની એ યોગ્યતા છે કે પરના સંગે-નિમિત્તે પોતે વિકારપણે પરિણમે છે. ભાઈ! પરસંગ એને, (બળથી) વિકારપણે પરિણમાવે છે એમ કદીય નથી.
અહા! અન્યમતમાં ઈશ્વરનું જોર ને જૈનમાં કર્મનું જોર! પણ એમ નથી ભાઈ! ઈશ્વરેય પરમાં કાંઈ કરે નહિ ને કર્મેય જીવમાં કાંઈ કરે નહિ.
તો કર્મ બળિયો ને જીવ બળિયો-એમ આવે છે ને? ઉત્તરઃ– એ કઈ અપેક્ષાએ? એ તો જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરે, પરસંગે પરાધીન થઈને પરિણમે તો એને કર્મ બળિયો કહેવાય અને અંતર્દષ્ટિ કરીને પોતે સવળો પુરુષાર્થ કરે, સ્વ-આધીન થઈને પરિણમે એને જીવ બળિયો કહેવાય.
ભાઈ! આ જિંદગી જોતજોતામાં પૂરી થઈ જશે હોં. બાયડી-છોકરાં સાચવવામાં ને વેપાર-ધંધામાં જ પડયો રહીશ તો કયાંય ચોરાસીના અવતારમાં ખોવાઈ જઈશ. બાપુ! તારે કયાં જવું છે ભાઈ! એકલા જ્ઞાન ને આનંદનો પ્રભુ? તું ભંડાર છો એમાં જા ને! એમાં દ્રષ્ટિ સ્થાપીને સ્થિતિ કર ને! તને મહા આનંદ થશે.
અહીં કહે છે- ‘तस्मिन्निमित्तम् परसंग एव’ વિકાર થાય છે એમાં પરસંગ જ નિમિત્ત-કારણ છે. પરસંગની વ્યાખ્યા આ કે-આત્મા સ્વભાવે શુદ્ધ ચિદ્રૂપ પરમ પવિત્ર પદાર્થ હોવા છતાં પરના સંગમાં એનું લક્ષ જાય છે તે તેને પર્યાયમાં વિકારનું કારણ થાય છે; પર વસ્તુ એને વિકાર કરાવે છે એમ નહિ.
હવે શ્વેતાંબરમાં તો આ જ વાત છે કે કર્મથી થાય; ને દિગંબરોમાં પણ હમણાં કોઈ પંડિતો કહેવા લાગ્યા છે કે વિકાર કર્મથી થાય. પણ બાપુ! આમાં જે પરસંગ શબ્દ છે એનો અર્થ પર વડે થાય એવો નથી પણ પોતે પરસંગ કરે તો વિકાર થાય છે એમ અર્થ છે. ભાઈ! આમાં તો મોટો આસમાન-જમીનનો ફેર છે.
અહાહા...! આત્મા પોતે પોતાને વિકારનું કારણ કદીય નથી. આ સંસારમાં રઝળવાનું કારણ જે મિથ્યાત્વ, રાગ-દ્વેષ, વિષય-વાસના આદિ-એનું કારણ ભગવાન આત્મા નથી. એમાં નિમિત્ત પરસંગ એટલે પોતે જે પરના લક્ષે પરિણમે છે તે છે. અહાહા...! સત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ભૂલીને એ જે નિમિત્તના સંગે પરિણમે છે તે જ વિકારનું કારણ છે. સમજાણું કાંઈ...?
‘अयम् वस्तुस्वभावः उदेति तावत’ આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે.
અહાહા...! ભગવાન આત્મા સદા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે. એક ચૈતન્ય- ચૈતન્ય-ચૈતન્ય જ એનો સ્વભાવ છે. જ્ઞાની આવા પોતાના શુદ્ધ સ્વભાવને જાણે છે. તેની દ્રષ્ટિ સદા સ્વભાવ પર જ હોય છે. તેથી કર્મના-નિમિત્તના સંગે પોતાની પર્યાયમાં એને જે ઉપાધિભાવ થાય તેનો તે સ્વામી થતો નથી. તે (-વિકાર) મારું કર્તવ્ય છે એમ એનો તે કર્તા થતો નથી. આવો જ વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે.