સમયસાર ગાથા ર૭૮-ર૭૯ ] [ ૩૦૩
પરંતુ અજ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતો નથી. તેથી કર્મના નિમિત્તે પોતે જે ઉપાધિભાવને કરે છે તેનો તે સ્વામી થઈને કર્તા થાય છે. અહા! અજ્ઞાની વિકારને પોતાનું સ્વરૂપ માને છે. આવો જ અજ્ઞાનીનો સ્વભાવ છે.
વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો હો; પણ બીજા લોકો જે કહે છે કે-કર્મને લઈને વિકાર થાય છે-તે વસ્તુસ્વભાવ નથી! સમજાણું કાંઈ...?
અહાહા...! અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવ છે. એની અનંત શક્તિઓમાં કોઈ શક્તિ એવી નથી જે વિકારને કરે. ફક્ત એની એક સમયની વર્તમાન પર્યાયમાં-એક સમયની યોગ્યતામાં, ત્રિકાળમાં નહિ હોં, નિમિત્તના સંગે અજ્ઞાની વિકાર અને એનો સ્વામી થઈને ભોગવે; અને જ્ઞાનીને નિમિત્તના સંગે ઉપાધિભાવ થાય છતાં તે એનો સ્વામી થઈને કર્તા ન થાય. આવી વાત છે.
એમાં હવે મોટા વાંધા છે કર્મને કે લઈને વિકાર થાય. કર્મ માર્ગ આપે તો ધર્મ થાય.
અરે ભાઈ! કર્મ તો તને અડતાંય નથી. અહીં તો આટલી વાત છે કે શુદ્ધ સ્વભાવના આશ્રયે પરિણમે તો વિકાર ન થાય, ધર્મ થાય ને પરસંગે-નિમિત્તના સંગે પરિણમે તો અવશ્ય વિકાર થાય. કર્મ નિમિત્ત હો, પણ કર્મને લઈને વિકાર થાય એમ ત્રણકાળમાં છે નહિ.
પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં આવે છે કે-આત્મા કર્તાનયે રાગાદિભાવનો કરનારો છે, અને ભોક્તૃનયે એનો ભોગવનારો છે. એટલે શું? કે જ્ઞાની-ગણધર કે છદ્મસ્થદશામાં તીર્થંકર હોય તે પણ જેટલો પરસંગે પરિણમે છે તેટલો તે રાગનો કર્તા છે. કર્તાબુદ્ધિથી નહિ, રાગ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિથી નહિ, પણ જ્ઞાનીને અસ્થિરતાને લીધે પરના નિમિત્તે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણમન હોય છે એનો તે કર્તા છે. એવું પરિણમન કર્મને લઈને છે એમ નથી. એમાં કર્મ નિમિત્ત અવશ્ય છે, પણ પરિણમે છે તો પોતે પોતાના અશુદ્ધ ઉપાદાનથી જ, કર્મને લઈને નહિ.
હવે આવું કદી સાંભળવાય મળે નહિ એ બિચારા શું કરે? અહા! જિંદગી તો પૂરી થઈ જાય અને અંદર શલ્ય ઊભું રહે કે-કર્મને લઈને થાય. અરે! કર્મને લઈને થાય એવા શલ્યવાળા તો બધા ચોરાશીના અવતારમાં ચિરકાળ રખડી મરશે શું થાય? એવા પરિણામનું એવું જ ફળ હોય છે.
‘परसंग एव’ પરસંગ જ એટલે પરવસ્તુ જોરાવરીથી રાગ કરાવે છે એમ નહિ પણ જીવ પોતે પરસંગ કરે છે માટે વિકાર થાય છે. સ્વભાવના આશ્રયે વિકાર ન થાય પણ પર નિમિત્તના આશ્રયે-સંગે વિકાર થાય છે-આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે-એમ કહે છે.