૩૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
‘આવા વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિકને પોતાના કરતો નથી’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ
‘इति स्वं वस्तुस्वभावं ज्ञानी जानाति’ એવા પોતાના વસ્તુસ્વભાવને જ્ઞાની જાણે છે.
અહાહા...! જ્ઞાની-ધર્મી એને કહિયે કે જે પોતાના વસ્તુસ્વભાવને જાણે છે. અહા! પોતે અંદર પરિપૂર્ણ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો ભગવાન છું-એમ જે જાણે-અનુભવે છે તે જ્ઞાની છે.
આ શરીર ને બાયડી-છોકરાં તો ક્યાંય વેગળાં રહી ગયાં. અહીં તો કહે છે-એક સમયની પર્યાયથી પણ ભિન્ન અંદર એક શુદ્ધ ચિદાનંદરસથી ભરેલો પોતે ભગવાન આત્મા છે તેને જ્ઞાની જાણે છે, અનુભવે છે. અહાહા...! જેને અંદર અતીન્દ્રિય આનંદના અમૃતનો સ્વાદ આવ્યો છે તે જ્ઞાની જેમાં વિકાર નથી એવા શુદ્ધ નિરંજન નિર્વિકાર પોતાના વસ્તુસ્વભાવને જાણે છે.
બાપુ! આ બાયડી-છોકરાં મારાં છે-એમ તું એમાં ગુંચાઈ પડયો છું પણ એ તો બધાં ક્યાંય રઝળતાં-રઝળતાં અહીં આવી મળ્યાં છે ને રઝળતાં-રઝળતાં ક્યાંય ચાલ્યાં જશે. એમાં તું નહિ અને તારામાં એ નહિ. તારો તો એક ત્રિકાળી શાશ્વત જ્ઞાનાનંદસ્વભાવ છે. જ્ઞાની આવા પોતાના જ્ઞાનાનંદસ્વભાવને જાણે છે અર્થાત્ ‘આ હું છું’ -એમ પોતાના સ્વસ્વરૂપને અનુભવે છે. લ્યો, આનું નામ જ્ઞાની-ધર્મી છે, બાકી બહારમાં વ્રત કરે ને દયા પાળે પણ અંતરમાં શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ પોતે છે એને જાણે નહિ તો તે અજ્ઞાની મૂઢ જ છે.
અહાહા...! જ્ઞાની પોતાનો વસ્તુસ્વભાવ-એકલો જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવ, પૂરણઆનંદામૃતથી ભરેલું તત્ત્વ-તેને જાણે છે. ‘तेन सः रागादीन् आत्मनः न कुर्यात्’ તેથી તે રાગાદિકને પોતાના કરતો નથી. બહુ ઝીણી વાત.
શું કીધું? કે સ્વસ્વભાવને, જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિકને-પુણ્ય- પાપના ભાવને પોતાના કરતો નથી. પોતાના કરતો નથી એટલે શું? કે પર લક્ષે એને વર્તમાન દશામાં પુણ્ય-પાપના ભાવ એને થાય છે પણ તેમાં તે આત્મબુદ્ધિ કરતો નથી. અહાહા..! ધર્મી પુરુષને પર્યાયબુદ્ધિ ઉડી ગઈ છે ને સ્વભાવદ્રષ્ટિ અંતરમાં પ્રગટ થઈ છે. તેથી પર નિમિત્તે પર્યાયમાં જે રાગાદિ થાય છે તેને તે પોતાના માનતો નથી.
રાગાદિને પોતાના કરતો નથી એટલે એને રાગાદિ થતા નથી એમ નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાન થયા પછી પણ ભગવાનની ભક્તિ, પૂજા, દયા, દાન, વ્રત ઇત્યાદિનો ભાવ એને આવે છે; પણ એને એ પોતાનો છે એમ સ્વીકારતો નથી. એ તો એનાથી ભિન્ન રહીને માત્ર જાણે જ છે. અહા! તટસ્થપણે એનો માત્ર તે જ્ઞાતા રહે છે.