સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩૪૯ કર્યું છે. પણ એથી શું? તત્ત્વજ્ઞાનપૂર્વક-આત્મજ્ઞાનપૂર્વક તે સંબંધીનું લક્ષ અને તે સંબંધીના રાગનું કાર્ય એને છૂટી જાય એને વાસ્તવિક મુનિપણું કહે છે.
એમ તો દ્રવ્યલિંગી સાધુ હોય તે પણ પોતાને માટે બનાવેલા ઉદ્દેશિક આહાર- પાણી લેતા નથી. જો પોતાને માટે બનાવેલાં આહાર-પાણી લે એવો એનો ભાવ હોય તો તે નવમી ગ્રૈવેયક જઈ શકે નહિ. અહા! દ્રવ્યલિંગી પોતાને માટે બનાવેલા જળનું ટીપુય, ખૂબ આકરી તૃષા હોય તોય, પ્રાણાંતે પણ ન લે એવો એને અંદર શુભભાવ હોય છે. પણ એ કાંઈ નથી, કેમકે એને અંદર તત્ત્વજ્ઞાન હોતું નથી, અર્થાત્ રાગના અભાવસ્વરૂપ શુદ્ધ ચૈતન્યનું પરિણમન તેને હોતું નથી. તે શુભભાવમાં સંતોષાઈ ગયો છે અને એનાથી ભિન્ન એક જ્ઞાયકસ્વભાવી આત્માની દ્રષ્ટિ એ કરતો નથી. તેથી આત્મજ્ઞાન વિના પોતાને માટે કરેલો આહાર ન લે તોય એ કાંઈ (-ત્યાગ) નથી.
અહીં કહે છે-તત્ત્વજ્ઞાનપૂર્વક એટલે આત્મજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પુદ્ગલદ્રવ્યને એટલે ઉદ્દેશિક આહારાદિને પચખતો-લક્ષમાંથી છોડતો તે (-મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખે છે. જોયું? ઉદ્દેશિક આહારાદિ લેવાનો ભાવ બંધસાધક ભાવ છે. અહા! ઉદ્દેશિક આહાર લે એ બંધનો ભાવ છે ને તે મુનિને હોય નહિ, થાય નહિ. તેથી કહ્યું કે ઉદ્દેશિક આદિ આહારના લક્ષને છોડે છે તે તેના નિમિત્તે થતા વિકારના-બંધના પરિણામને છોડે છે, અર્થાત્ તેને બંધભાવ થતો નથી, અબંધ રહે છે. છે? ‘બંધસાધક ભાવને પચખે છે.’ સામે પુસ્તક છે કે નહિ? ભાઈ! આ તો તત્ત્વજ્ઞાનની વાર્તા! આ કાંઈ કથા નથી.
અહા! ખ્યાલમાં આવે કે આ ઉદ્દેશિક આહાર મારે માટે કર્યો છે અને એ લે તો એને બંધસાધક ભાવ ઊભો છે, એને અંતરંગમાં મુનિપણું નથી; અને જો એના લક્ષને છોડયું છે તો તેના નિમિત્તે થતા બંધસાધક ભાવને તે છોડે છે અર્થાત્ તેને અબંધ પરિણામ છે. મુનિ અંદર એટલા અબંધ પરિણામને પ્રગટ કરે છે. ન્યાયથી ધીમે ધીમે સમજવું બાપુ! વસ્તુનું સ્વરૂપ જે યથાર્થ છે તેમાં ‘ની’ (નય્) એટલે જ્ઞાનને દોરી જવું- લઈ જવું તે ન્યાય છે. સમજાણું કાંઈ...?
ગૃહસ્થાશ્રમમાં સમકિતી તત્ત્વજ્ઞાની હોય તેને આહારાદિનો ભાવ હોય છે તે બંધભાવ છે. તે અસ્થિરતાનો દોષ છે, દ્રષ્ટિમાં એને દોષ નથી. અહીં મુનિદશાની વાત છે. મુનિદશાની અંતર-સ્થિરતા એવી હોય છે જેથી તે નિમિત્તભૂત ઉદે્શિક આદિ આહારના લક્ષને છોડતો લક્ષભૂત બંધસાધક ભાવને છોડે છે, અર્થાત્ તેને ઉદ્દેશિક આદિ આહાર લેવાનો ભાવ ઉત્પન્ન થતો નથી. આવી મુનિદશા છે. તથાપિ કોઈ ઉદે્શિક આદિ આહારને ગ્રહણ કરે તો તે બંધ સાધકભાવમાં ઊભો છે, તેને અંતરમાં સાચું મુનિપણું નથી. આ કોઈ વ્યક્તિની વાત નથી; આ તો સિદ્ધાંત અને સત્ય શું છે - એની વાત છે. અહા! તત્ત્વદ્રષ્ટિ-સમ્યગ્દ્રષ્ટિને રાગનું પરિણમન હોય છે, પણ એનો