૩પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
‘સમસ્ત પરદ્રવ્યને પચખતો’ એટલે શું? કે એક સ્વદ્રવ્યનો જ આશ્રય કરવો ને એમાં જ રહેવું. પંચમહાવ્રતને પાળવાં એમેય નહિ. કેમકે પંચમહાવ્રતના પરિણામનો આશ્રય પરદ્રવ્ય છે. એ તો આવી ગયું ને? (ગાથા ૨૭૬-૭૭માં) કે આચારાંગ આદિ શબ્દશ્રુતનું જ્ઞાન તે જ્ઞાન છે, જીવાદિ નવ પદાર્થો દર્શન છે ને છ જીવનિકાય ચારિત્ર છે- એ બધો વ્યવહાર છે. એ વ્યવહાર હેય છે, નિષેધ્ય છે.
લોકોને આ મોટા વાંધા છે; એમ કે નિશ્ચય-વ્યવહાર-બેય જોઈએ
પણ ભાઈ! વ્યવહાર હોય છે, (એની કોને ના છે?) પણ છે એ બંધનું કારણ ને હેય. ભાવલિંગી સંત દિગંબર મુનિરાજને પણ વ્યવહાર હોય છે, પણ એને એ બંધનું કારણ જાણી હેય જ માને છે. વ્યવહારથી નિશ્ચય થાય એમ ત્રણકાળમાં છે નહિ. પર તરફનું લક્ષ કરે ને સ્વ-લક્ષવાળી દશા થાય એમ કદીય બને નહિ. એ તો અંધારાથી અજવાળું થાય એના જેવી અસંભવ વાત છે. વ્યવહારનું લક્ષ પર ઉપર છે, ને નિશ્ચયનું સ્વ ઉપર છે. બેયની દશાની દિશામાં ફેર છે ત્યાં વ્યવહારથી નિશ્ચય કેમ થાય? ન થાય.
અહીં તો સમસ્ત પરદ્રવ્ય પચખવાની વાત લીધી છે. નિર્દોષ આહાર લે એય વિકલ્પ છે, એય છોડ એમ કહે છે. નિર્દોષ આહાર લે ત્યાં મુનિપણાને આંચ આવે છે એમ નહિ, પણ અહીં પરદ્રવ્યનો સર્વથા આશ્રય છોડાવવા એક સ્વદ્રવ્યનો પૂરણ આશ્રય કરવો એમ વાત છે કેમકે એને ત્યારે શુદ્ધનય પૂરો થાય છે અર્થાત્ ત્યારે કેવળજ્ઞાન થાય છે. સમજાણું કાંઈ....?
લ્યો, હવે મારગ આવો, અને વાત આવી આવે એમાં કરવું શું? એક પત્રમાં મોટો લેખ આવ્યો છે વિરોધનો; એમ કે નિશ્ચય-વ્યવહાર બેય જોઈએ; બેય છે, વ્યવહાર સાધન છે ને નિશ્ચય સાધ્ય છે. ‘પંચાસ્તિકાય’ માં વ્યવહાર સાધન સાધ્યની વાત આવે છે.
બાપુ! એ તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે ભાઈ! નહિતર આખા સત્યનો વિરોધ થઈ જશે. અહીં એમ કહે છે કે-પરદ્રવ્યના લક્ષમાં જેટલો જાય તેટલો તેને વિકાર થશે અને વિકારથી એને બંધ જ થશે. શું એનાથી ધર્મ થશે? ના; એનાથી અવશ્ય બંધ થશે. એને સાધન કહેવું એ તો નિમિત્તનું-સહચરનું જ્ઞાન કરાવતું ઉપચારનું કથન છે. સમજાણું કાંઈ....?
લ્યો, હવે આ સરવાળો કહે છે કે- ‘આ પ્રમાણે દ્રવ્ય અને ભાવનું નિમિત્ત- નૈમિત્તિકપણું છે.’
શું કીધું એ? કે આ પ્રમાણે પરદ્રવ્ય બધા નિમિત્ત છે અને નિમિત્તને લક્ષે થતો વિકારી ભાવ નૈમિત્તિક છે. ધર્મી પુરુષો-મુનિવરો એ સમસ્ત પરદ્રવ્યના લક્ષને