Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2839 of 4199

 

સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩પ૯ નાટકમાં બનારસીદાસે મોહ અને રાગદ્વેષના પરિણામ બંધનું કારણ લીધું અને કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ પરભાવના સ્વામીપણાને મૂળ કારણ કીધું, મોક્ષપાહુડમાં ‘પરદવ્વાદો દુગ્ગઈ’ એમ લીધું-આ બધાનો અર્થ એક જ છે.

અહા! વ્યવહાર-દયા, દાન, પૂજા આદિનો રાગ-બંધનું કારણ છે એ વાત કેટલાકને આકરી પડે છે. પણ ભાઈ! પૂર્ણ આશ્રય નથી, કેવળજ્ઞાનની દશા નથી અને સાધકદશા છે ત્યાં સુધી ધર્મીને પરદ્રવ્યના આશ્રયના દયા, દાન, ભક્તિ, વ્રત, તપ આદિના પુણ્યભાવ આવે ખરા, આવ્યા વિના રહે નહિ, પણ છે એ બંધનું કારણ. આ બંધ અધિકાર છે ને? એમાં પરદ્રવ્યના લક્ષે થયેલા સઘળા પરિણામ બંધ સાધક ભાવ છે એમ કહે છે.

હા, પણ લોકો ‘એકાંત છે, એકાંત છે’ -એમ રાડો પાડે છે કે નહિ? એમ કે દેવ-ગુરુ-શાસ્ત્રથી પણ લાભ થાય છે, વ્યવહારથી પણ લાભ થાય છે-એમ અનેકાન્ત છે. ભગવાને નિશ્ચય ને વ્યવહાર-બે નય કીધા છે, તો બેયથી લાભ થાય એમ કહો તે અનેકાન્ત છે.

સમાધાનઃ– ભગવાન! બે નય છે, બે નયના વિષય છે-એમ ભગવાને કીધું છે એ તો યથાર્થ છે; પણ બન્ને નય આદરણીય છે એમ ક્યાં ભગવાને કીધું છે? બાપુ! બે નયને આદરણીય માને તો બેય એક થઈ જાય, બે રહે નહિ. પણ બેય છે, બન્નેના વિષય પણ છે, નિશ્ચય છે ને વ્યવહારેય છે; પણ આદરણીય-ઉપાદેય તો એક નિશ્ચય જ છે. વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ (જુઓ, ગાથા ૧૨ ટીકા) કોઈ વ્યવહાર નથી એમ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે, ને વ્યવહારથી લાભ થાય એમ માને તોય મિથ્યાદ્રષ્ટિ છે.

પ્રશ્નઃ– વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ તો ખરું ને? ઉત્તરઃ– શું ખરું? શું ઝેર પીતાં પીતાં અમૃતનો ઓડકાર આવે? ન આવે. તેમ પરદ્રવ્યનો આશ્રય કરતાં કરતાં સ્વદ્રવ્યનો આશ્રય કદીય ન આવે. રાગ કરતાં કરતાં વીતરાગતા કદીય ના થાય. આ તો ન્યાયથી વાત છે; આમાં કોઈની મતિ-કલ્પના ન ચાલે.

એક કોર ભગવાન આત્મા અંદર પોતે શુદ્ધ જીવ-તત્ત્વ છે, ને બીજી કોર પુણ્ય- પાપના ભાવ એ ભિન્ન આસ્રવ તત્ત્વ છે અને શરીર અને કર્મ એ અજીવ તત્ત્વ છે. હવે એક સમયની જે પર્યાય છે તે વ્યવહારે આત્મા છે. અહા! એ પર્યાયની બુદ્ધિમાં તો અનાદિ કાળથી રહેલો છે; પર-આશ્રયમાં તે અનાદિ કાળથી રહેલો છે. હવે એને નિશ્ચય શુદ્ધ જીવતત્ત્વ અખંડ એક જ્ઞાયકભાવરૂપ સ્વદ્રવ્યમાં સ્થાપીને સ્વદ્રવ્યના આશ્રયે જેટલી જે દશા થાય તે ધર્મ છે, મોક્ષનું કારણ છે. અને સ્વનો આશ્રય છોડીને જેટલો પરદ્રવ્યના આશ્રયમાં જાય, પરદ્રવ્ય ચાહે તો સમ્મેદશિખર હો કે સાક્ષાત્ તીર્થંકર દેવ હો, તેટલો એને વિકાર થાય, બંધ થાય; શુભભાવ થાય એથી પણ (પુણ્ય) બંધ જ થાય.