Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2840 of 4199

 

૩૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

અહા! જેણે સ્વદ્રવ્યને જાણ્યું એણે બધુંય જાણ્યું. અહીં કહે છે-પરદ્રવ્ય એટલે સ્વદ્રવ્ય સિવાય જે દેવ-ગુરુ-શાસ્ત્ર, સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ આદિ આખું જગત છે તે પરદ્રવ્ય છે. ત્યાં સ્વનો આશ્રય છોડીને આત્મા જેટલો પર નિમિત્તના આશ્રયમાં જાય છે તેટલો તેને દોષ-વિકાર થાય છે; ચાહે પુણ્ય હો કે પાપ-બેય વિકારની સંતતિ છે, આત્માની સંતતિ નહિ.

કોઈ વળી કહે છે-વિકારની સંતતિનું પરદ્રવ્ય કારણ છે. હા, કારણ છે એટલે નિમિત્ત છે. એ તો પહેલાં જ કીધું ને કે- ‘પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું વિચારીને’ .... , એટલે કે પરદ્રવ્ય તો નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કે એ પરમાં (-જીવમાં) કાંઈ કરતું નથી; કરે તો નિમિત્ત રહે નહિ.

શું કીધું? સિદ્ધાંત સમજાય છે? ચાહે તો ત્રણલોકના નાથ અરિહંત પરમાત્મા અને એમનું વાણીનું નિમિત્ત હો, પણ એ નિમિત્ત કાંઈ આત્માને જ્ઞાન-શ્રદ્ધાન કરાવી દે એમ છે નહિ. જ્ઞાન-શ્રદ્ધાન પોતાને થાય છે એ તો સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે. હું પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ છું એવું પરિપૂર્ણનું જ્ઞાન-શ્રદ્ધાન તો સ્વને આશ્રયે જ થાય છે. પર નિમિત્ત હો, પણ એ જીવમાં કાંઈ કરતું નથી.

‘પરમાત્મપ્રકાશ’ માં આવે છે કે-ભગવાનની દિવ્યધ્વનિથી પણ આત્મા જણાય એવો નથી.

ત્યારે લોકો રાડું પાડે છે કે-શું એનાથી ન જણાય? પ્રવચનસારમાં તો પાઠ છે કે- ‘सत्यं समधिदव्यं’ -શાસ્ત્ર સમધ્યયનીય છે. (ગાથા ૮૬)

ભાઈ! એનો અર્થ એ છે કે-તારું લક્ષ આત્મા ઉપર રાખી શાસ્ત્ર શું કહે છે એ બરાબર સાંભળ અને સમજ. ભલે વિકલ્પ છે, પણ આત્માનું લક્ષ છે તેથી એને અંદર નિર્જરા થાય છે. જેટલો વિકલ્પ રહે છે એટલો બંધ છે, પણ એને ગૌણ ગણીને શાસ્ત્ર બરાબર જાણવાં, સમજવાં એમ કહ્યું છે.

અહીં કહે છે-શાસ્ત્ર પરદ્રવ્ય છે, નિમિત્તમાત્ર છે, અને એના લક્ષે નૈમિત્તિક વિકાર થશે, પુણ્યભાવ થશે, બંધભાવ થશે. ભાઈ! પરદ્રવ્યનો આશ્રય અને સ્વામીપણું એ વિકારની-પુણ્ય-પાપભાવની સંતતિનું મૂળ છે. જ્યાં સુધી એને પરદ્રવ્યના નિમિત્તપણાનું લક્ષ છે. ત્યાં સુધી વિકારની -દુઃખની સંતતિ ઊભી જ રહે છે.

અહા! ‘એ બહુભાવસંતતિને એકી સાથે ઉખેડી નાખવાને ઈચ્છતો પુરુષ’ -પુરુષ કહેતાં આત્મા; જે અસંખ્ય પ્રકારે શુભાશુભ ભાવો છે તેની સંતતિને એકી સાથે ઉખેડી નાખવા માગે છે તે પુરુષ-આત્મા ‘तत् किल समगं्र परद्रव्यं बलात् विवेच्य’ -તે સમસ્ત પરદ્રવ્યને બળથી (-ઉદ્યમથી, પરાક્રમથી) ભિન્ન કરીને.....