૩૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ -આવાં તો જેનાં અપલખ્ખણ છે એને કહીએ કે-ભગવાન! તું ચિન્માત્રજ્યોતિસ્વરૂપ પૂરણ આનંદનો નાથ છો, ને આ વિકાર ઉત્પન્ન થાય તે તારું સ્વરૂપ નથી; પણ એને એ કેમ બેસે? બેસે કે ન બેસે, ભગવાન! તું સચ્ચિદાનંદસ્વરૂપ શાશ્વત ચૈતન્ય ને આનંદનું ધામ છો.
અહા! આવા પોતાના સ્વરૂપનો આશ્રય લઈને પર તરફથી ખસી જાય છે ત્યારે તેને રાગદ્વેષમોહ ઉદય પામતા નથી તો એણે રાગાદિનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. અહા! આવા પોતાના સ્વરૂપમાં ધ્યાનારૂઢ થઈને આઠ આઠ વર્ષના બાળકો પણ કેવળજ્ઞાન પામીને મોક્ષ પધાર્યા છે. અહા! આવી જ પોતાની શક્તિ છે, પણ શું થાય? એણે કદી પરવા જ કરી નથી. પરના મહિમા આડે એને પોતાનો મહિમા ભાસ્યો નથી. બહારમાં દેવ-ગુરુનો મહિમા કરે, પણ એમાં શું છે? એ તો રાગ છે ભાઈ! બંધનું કારણ છે. અહીં કહે છે-બંધનું કારણ એવા રાગાદિના ઉદયને આશ્રયના ઉગ્ર પુરુષાર્થથી વિદારતી થકી જ્ઞાનજ્યોત પ્રગટ થાય છે. જુઓ આ ધર્મ!
અહાહા.....! એક જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનનો ભંડાર પ્રભુ આત્મા છે. જ્ઞાન એટલે આ વકીલાત ને દાકતરીનાં જ્ઞાન એ નહિ; એ તો બધાં લૌકિક કુજ્ઞાન છે. અને પાંચ-પચીસ હજારના પગાર મળે એ પૈસા બધા જડ-ધૂળ છે. જેને જ્ઞાન નથી એ અચેતન-જડ છે. જુઓ, આ શરીર છે એને ખબર છે કે હું શરીર છું? ના. બાપુ! એ તો જડ માટી-ધૂળ છે. જાણનારો તો અંદર ચૈતન્યપ્રકાશનો પુંજ ભિન્ન છે, અને આ શરીર તો જડ પરમાણુનો ઢગલો છે. જુઓ, ધૂળમાંથી ઘઉં થયા, ને ઘઉંમાંથી રોટલી થઈ ને રોટલીમાંથી આ માંસ, લોહી આદિ થયા. બાપુ! આ તો બધા પરમાણુઓની દશાઓ પરમાણુ પોતે કાયમ રહીને સ્વતંત્ર બદલ્યા કરે. આત્મા એનું શું કરે? કાંઈ નહિ. પણ એનું લક્ષ કરે તો એને પર્યાયમાં રાગાદિ વિકાર થાય છે.
અરે! એણે અનંતકાળના પ્રવાહમાં પૂર્વે કોઈદિ’ પરથી-શરીરાદિથી ભિન્ન પડી એક જ્ઞાન જ જેનું સ્વરૂપ છે એવા આત્માનું ભાન કર્યું નથી. પરંતુ જે કોઈ પરના પડખેથી હઠી સ્વદ્રવ્યના પડખે આવે છે, સ્વદ્રવ્યના આશ્રયમાં આવે છે તેને પરદ્રવ્ય તરફના આશ્રયનો અભાવ થવાથી પરના નિમિત્તે થતા વિકારનો અભાવ થાય છે, અને સ્વદ્રવ્યના વલણવાળી-આશ્રયવાળી નિર્મળ વીતરાગી નિર્વિકાર પરિણતિ પ્રગટ થાય છે અને એ ધર્મ છે. બાકી બધું થોથેથોથાં છે. કોઈ બીજી રીતે ધર્મ માને ને લાખોનાં દાન કરે ને જીવદયા પાળે પણ એ બધો સંસાર છે, અધર્મભાવ છે. અહીં તો જેટલે દરજ્જે પરદ્રવ્યથી ખસે તેટલે દરજ્જે સ્વદ્રવ્યમાં આવે ને તેટલી એને ધર્મ પરિણતિ પ્રગટે છે એમ વાત છે. શું કરતી ધર્મ પરિણતિ પ્રગટે છે? તો કહે છે-
‘कार्य विविधं बन्धं’ તે રાગાદિના કાર્યરૂપ (જ્ઞાનાવરણાદિ) અનેક પ્રકારના બંધને ‘अधुना’ હમણાં ‘सद्यः एव’ તત્કાળ જ ‘पणुद्य’ દૂર કરીને,.....